માંગરોળ તાલુકાના કંટવા ગામે દલિત સમાજની સ્મશાન ભૂમિમાંથી માટી ખોદી સમાજની લાગણીને ઠેસ પહોંચાડનારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
કંટવા ગામે બ્લોક નંબર 31 વાળી જમીન ગામના દલિત સમાજની સ્મશાન ભૂમિ તરીકે ફાળવવામાં આવી છે ઉપરોક્ત સ્મશાન ભૂમિમાં દલિત સમાજ દફન વિધિ કરે છે. સ્મશાન ભૂમિ નજીક પોતાની ખેતીની જમીન ધરાવતા ગામના ખેડૂત સંદિપસિંહ વિજયસિંહ જાદવ અને જયેન્દ્રસિંહ દોલતસિંહ ઘરીયા દ્વારા પોતાના ખેતર તરફ જવાનો રસ્તો બનાવવા માટે સ્મશાન ભૂમિમાંથી બિનઅધિકૃત રીતે જેસીબી મશીનની મદદથી માટી ખોદવામાં આવી હતી જેથી દફન કરાયેલા મૃતદેહના અવશેષો બહાર નીકળી ગયા હતા. જે અંગેની જાણ ગામના દલિત સમાજના લક્ષ્મણભાઈ જે પરમારને થતા તેમણે સમાજના આગેવાનોની મદદ લઇ કોસંબા પોલીસ સ્ટેશનમાં બે ખેડૂતો તેમજ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
પોલીસ તંત્ર તેમજ માંગરોળ મામલતદાર દ્વારા તારીખ 4 ના રોજ ઉપરોક્ત ફરિયાદને આધારે સ્થળની તપાસ કરવામાં આવી હતી પરંતુ આ દિશામાં સરકારી તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં દલિત સમાજના આગેવાનો કાંતિભાઈ પરમાર, મોહનભાઇ કટારીયા, દીપકભાઈ પરમાર, અંબુભાઈ પરમાર સહિત દલિત સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી સામે એકત્ર થઈ અને ન્યાયની માંગ સાથે સૂત્રોરચાર કરી માંગરોળના ઈન્ચાર્જ મામલતદાર.કે.એમ.રાણાને આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે સવર્ણ ખેડૂતો દ્વારા જાણી બૂઝીને દલિત સમાજની સ્મશાન ભૂમિમાંથી માટી ખોદી સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. હાલના સમયે તેઓના સગા-સંબંધી દ્વારા સમાધાનના પ્રયાસો કરી ફરિયાદી ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે. કંટવા ગામમાં દલિત સમાજના 15 કુટુંબો વસવાટ કરે છે હાલ તેઓને ભય સતાવી રહ્યો છે ત્યારે તમામ દલિત પરિવારોનું રક્ષણ કરવામાં આવે તેવી જવાબદારી સરકારની છે. આ બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય અને સમાજને ન્યાય મળી તેવી માંગ કરી છે, તેમજ હવે પછી સ્મશાન ભૂમિને નુકસાન ન થાય એ માટે કંમ્પાઉન્ડ વોલ બનાવવામાં તેવી સમાજના આગેવાનોએ માંગ કરી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ