જાતી અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા અંગેનો મુદ્દો દિવાળી પછી ફરી એકવાર રાજકીય છાવણીમાં ચર્ચાનો મુદ્દો અને વિવાદનો મુદ્દો બન્યો છે. જેમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર ભાજપ સિવાયની અન્ય પાર્ટીઓ સામે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે અને સાંસદ મનસુભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી સરકારનું ફરી એકવાર ધ્યાન દોર્યું છે.
પત્રમાં સાંસદે જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા વારંવાર એવી અપીલ કરવામાં આવે છે કે જાતી અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા જોઈએ, તે બાબતે ગોધરા મુકામે જે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં આદિવાસી ધારાસભ્યો તથા સાંસદ સભ્ય પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આદિવાસીના હિતમાં સરકારમાં પત્ર લખે. આ બાબતની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી રહી છે, એવા તમામ નવા જાગૃત લોકોને હું અભિનંદન આપું છું. પરંતુ મારે સ્પષ્ટતા સાથે તમામ આદિવાસી સંગઠનોના મિત્રોને જણાવવાનું કે આપ લોકો સોશિયલ મીડિયા દ્વારા ધ્યાન દોરો તે પહેલા મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદિજાતિ વિકાસ મંત્રીઓને તથા ગુજરાત રાજ્યના આદિજાતિ સચિવને પત્ર લખ્યો હતો અને પત્રમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પૂર્વ આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ ખૂબ જ મહેનતથી ખોટા પ્રમાણપત્રો બાબતે વિધાનસભામાં બિલ લાવી કાયદો બનાવ્યો અને ખોટા પ્રમાણપત્ર રદ કરવા નિયમો બનાવ્યા. તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવી જોઈએ. તેવું મેં મારા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે.
તેથી આપ સર્વ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે ભાજપ સરકારે આ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવાનું મહાન કાર્ય કર્યું છે. પરંતુ કોંગ્રેસના ફક્ત બે ધારાસભ્યો બોલે છે, આખી કોંગ્રેસ કેમ મૌન છે? સમગ્ર ગુજરાતના આદિવાસીના હિતમાં કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે? કોંગ્રેસ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારાઓની સાથે છે કે સાચા આદિવાસીઓને સમર્થન કરે છે?
ભારતીય જનતા પાર્ટીની સરકાર તો સમગ્ર ગુજરાતના આદિવાસી સંગઠનોની સાથે રહીને આગેવાનો સાથે પરામર્શ કરી અને ખોટા પ્રમાણપત્રો રદ કરવા જેવું ભગીરથ કાર્ય કર્યું છે અને વર્તમાનની અંદર જે પણ કોઈ અધિકારી કે પદાધિકારી કાયદા અને નિયમોમાં છુટછાટ આપશે, તો તેની સામે અમે આદિવાસીઓના હિતમાં લડી લેવાના મૂડમાં છીએ. પરંતુ બાકી બધી જ પાર્ટીના નેતાઓ દૂધમાં અને દહીંમાં પગ રાખે છે. તેઓ આદિવાસીઓને ખુલ્લુ સમર્થન જાહેર કરે અને વિવિધ સંગઠનોએ જેઓ મૌન છે, તેવા તમામ નેતાઓને જાહેરમાં ખુલ્લા પાડવા જોઈએ. એમ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા