ભરૂચ જિલ્લામાં અનેક જીઆઇડીસી વિસ્તાર આવેલા છે, આ વિસ્તારમાં આવેલ ઔધોગિક એકમોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, કેમિકલ સહિતના ઉધોગોમાં વિકરાળ સ્વરૂપમાં લાગતી આગની દુર્ઘટનાઓમાં કેટલીકવાર કંપનીમાં કામ કરતા કામદારોએ પોતાનો જીવ ગુમાવવો પડે તેવી પરિસ્થિતિનું પણ સર્જન ભૂતકાળના દિવસોમાં સર્જાઈ ચુક્યા છે.
ગત રાત્રીના સમયે પણ વધુ એક ઘટના પાનોલી જીઆઇડીસીમાં સર્જાઈ હતી, જ્યાં આવેલ વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોરેજ પ્લાન્ટમાં અચાનક ભીષણ આગની ઘટનાના પગલે એક સમયે ભારે દોડધામની પરિસ્થિતિનું સર્જન થયું હતું, આગની જ્વાળાઓ વિકરાળ બનતા કંપનીમાં કામ કરતા કામદારોને તાત્કાલિક સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા તેમજ ઘટના અંગેની જાણ પાનોલી ફાયર વિભાગમાં કરતા ફાયરના ૨ થી વધુ લાય બંબાઓએ સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ ઉપર ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો હતો.
મહત્વની બાબત છે કે કંપનીમાં લાગેલ આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. જોકે સ્ટોરેજમાં મુકેલ માલ સામાન બળીને ખાખ થઇ જતાં કંપનીને મોટા પ્રમાણમાં નુક્શાની થઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યો છે, તો બીજી તરફ ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.!
મુકેશ વસાવા : અંકલેશ્વર