ભરુચ જિલ્લાના ઝઘડીયા અંકલેશ્વર ધોરીમાર્ગ પર આવેલ એક કંપનીમાં કંપની કોલોનીમાં રહેતા જ્ઞાનપ્રકાશ શુક્લાની પુત્રી રિમ્પીબેનના લગ્ન અંકલેશ્વર ખાતે રહેતા હિરેન દિનેશભાઇ મિશ્રા સાથે ૧૧ માસ અગાઉ થયા હતા. લગ્નના ચારેક માસ રીમ્પી તેના પતિ હિરેન સાથે રહ્યા બાદ વારંવાર બોલાચાલી અને ઝઘડો થતો હોઇ રિમ્પીબેન તેના માતા-પિતાના ઘરે આવીને રહેતી હતી. આ બાબતે રિમ્પીબેને તેના પતિ વિરુદ્ધ ઝઘડિયા કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કરેલ છે, અને હિરેન મિશ્રાએ પણ તેની પત્ની રિમ્પીબેન વિરુદ્ધ અંકલેશ્વર કોર્ટમાં કેસ કરેલ છે.
મળતી વિગતો મુજબ હિરેન અવારનવાર ફોન કરીને તેની પત્નીને હેરાન કરતો હતો. ગતરોજ રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં રીમ્પીબેન તેના પિતા સાથે ઘરમાં હાજર હતી ત્યારે તેનો પતિ હિરેન મિશ્રા કોલોનીના ગેટ પાસે આવ્યો હતો અને રીમ્પીને તથા તેના પરિવારજનોને તમે બહાર આવો, તેમ કહી માં બેન સમાણી ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ તેણે આ લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે દરમિયાન કોલોનીના ગેટ ઉપર હાજર સિક્યુરિટીના માણસોએ હિરેનને ગેટમાંથી અંદર પ્રવેશ કરતા અટકાવ્યો હતો, જેથી તે બોલતો બોલતો ત્યાંથી જતો રહ્યો હતો. રીમ્પીબેનનો પતિ હિરેન મિશ્રા તેને તથા તેના પરિવારના સભ્યોને ભવિષ્યમાં કોઇ નુકશાન પહોંચાડે એવી દહેશત હોઇ, રિમ્પીબેન જ્ઞાનપ્રકાશ શુક્લાએ તેના પતિ હિરેન દિનેશભાઇ મિશ્રા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ