ઉમરપાડા તાલુકાની શરદા ગૃપ ગ્રામ પંચાયત નું વિભાજન થતા ચંદ્રપાડા નવી ગ્રુપ ગ્રામ પંચાયત બનતા વોર્ડ રચના સીમાંકન અને સરપંચ બેઠકની ફાળવણી પ્રક્રિયા શરૂ કરાઇ છે. શરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં અગાઉ ગોવટ ચંદ્રપાડા બરડી ગોપાલીયા સહિત કુલ 5 ગામોનો સમાવેશ કરાયો હતો. ગ્રુપ ગ્રામ પંચાયતમાં વધુ ગામોનો સમાવેશ હોવાથી સરકારી યોજનાઓનો લાભ દરેક ગામમાં પહોંચાડવાનું ગ્રામ પંચાયતના શાસકો માટે મુશ્કેલ બનતું હતું.
ગરીબ જરૂરિયાતમંદ લોકોને યોગ્ય લાભો મળી શકતા ન હતા જેથી છેલ્લા દસ વર્ષથી શરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપતા મહેન્દ્રભાઈ વસાવાએ ગ્રામ પંચાયતના વિભાજન માટે આ દિશામાં સતત પ્રયત્નો શરૂ કરી માંગરોળના ધારાસભ્ય ગણપતભાઇ વસાવા સમક્ષ લોકહીતમાં રજૂઆતો કરી હતી જેના પરિણામે શરદા ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં અલગ ગ્રામ પંચાયતનો દરજજો મળવાથી વિકાસ કામોના લાભો આવનારા સમયમાં મળશે જેથી તમામ પાંચ ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. નાયબ સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા ચંદ્રપાડા ગ્રુપ ગ્રામ પંચાયત અમલમાં આવી છે. જેમાં કુલ ત્રણ ગામો ચંદ્રપાડા બરડી અને ગોંપાલીયાનો સમાવેશ કરાયો છે તેમજ શરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગોવટ ગામનો સમાવેશ કરાયો છે. જિલ્લા કલેકટર અને ચૂંટણી પંચ દ્વારા હાલ બંને ગ્રામ પંચાયતોની ભૌગોલિક હદમાં ફેરફાર થતો હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમ અનુસાર વર્ષ ૨૦૧૧ ની વસતી ગણતરીના આંકડાના આધારે સીમાંકન વોર્ડ રચના અને સરપંચ બેઠકની ફાળવણીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ