દહેજથી પી.ટી.એ પાવડરનો જથ્થો સેલવાસ લઈને જતાં બિહારના જમુઇ જિલ્લાનો વતની અને હાલમાં સુરતથી એમ. આર. શાહ લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો. મુકેશ થમન યાદવ તેની ટ્રકમાં દહેજની રિલાયન્સ કંપનીમાંથી પી.ટી.એ એટલે કે પ્યોરીફાઇડ ટેરીફેથેલીક પાઉડરનો 30 લાખની મત્તાનો જથ્થો ભરીને સેલવાસ જવા માટે નિકળ્યો હતો ત્યારે તેની સાથે તેની જ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતાં અને ભિલાડ ખાતે રહેતાં નુરૂલહોદા ઉસ્માન હોદા તેમજ અબ્દુલ અજીજ નુરઆલજી પણ તેમને ભિલાડ જવું હઇ સેલવાસ સુધી ટ્રકમાં બેઠાં હતાં.
દહેજથી ટ્રક નિકળ્યાં બાદ સેલવાસ નહીં પહોંચતાં મુકેશના ભાણેજ નવલ યાદવે મોબાઇલ પર સંપર્ક કરતાં ફોન નહીં ઉપડતાં તેમને શોધવાની કવાયત હાથ ધરી હતી. નબીપુર નજીક વગુસણા ગામની સીમ પાસે ભરૂચથી વડોદરા જવાના માર્ગની સાઇડમાં કાંસમાંથી મુકેશ યાદવનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જ્યારે 30 લાખનું પી.ટી.એ પાઉડર ભરેલી ટ્રક તેમજ તેની સાથેના નુરૂલહોદા ઉસ્માન હોદા તેમજ અબ્દુલ અજીજ નુરઆલજી શંકાસ્પદ રીતે ગુમ હોઇ તેઓએ મુકેશ યાદવની હત્યા કર્યાં બાદ લાશ કાંસમાં ફેંકી ટ્રક લઇને ફરાર થઇ ગયાં હોવાનું જણાતાં બન્ને વિરૂદ્ધ નબીપુર પોલીસ મથકે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે હત્યારાઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કરતાં લૂંટ કરાયેેલી ટ્રક કીમ પાસેથી પીટીએ પાવડર વિના બિનવારસી હાલતમાં મળી આવી હતી.
હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓ પાંચ-છ મહિના પહેલાં જ નોકરીએ લાગ્યાં હતાં. દહેજથી નર્મદા ચોકડી સુધી પહોંચતાં સુધીમાં તેમણે ડ્રાઇવર મુકેશ યાદવની હત્યા કર્યાં બાદ તેની લાશને વગુસણા ગામ પાસે ફેંકી નબીપુરથી યુટર્ન મારી કીમ તરફ ગયાં હોવાનું અનુમાન છે. દહેજની રિલાયન્સ કંપનીમાંથી પી.ટી.એ પાઉડર ટ્રકમાં ભરીને નિકળેલાં મુકેશ યાદવનો પત્તો નહીં લાગતાં તેના ભાણેજે અન્ય લોકો સાથે તેમને શોધવા નિકળ્યો હતો. દહેજથી સેલવાસ સુધીના માર્ગ પર કોઇ અત્તોપત્તો ન લાગતાં આખરે વડોદરા તરફના માર્ગ પર શોધતાં વગુસણા ગામની સીમમાં રોડની સાઇડમાં તેનો વિકૃત મૃતદેહ મળ્યો હતો. લોકોનું ધ્યાન ન જાય તે માટે તેના પર ચાદર ઢાંકી દીધી હતી. ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં દાખલ કરી ટ્રક ડ્રાઈવરનાં મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ખસેડી પોલીસે ફરાર આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે.