અંકલેશ્વર નગરપાલિકા ખાતે નગરપાલિકા 2020-21 ની બોર્ડની મિટિંગ યોજાઇ જેમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાની ઉપસ્થિતિમાં 39 જેટલા કાર્યો મંજૂર કરી રૂ.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.
અંકલેશ્વર નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા અને ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાની અધ્યક્ષતામાં આજરોજ પાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં પાલિકા સત્તાપક્ષના 39 કામોને લઇ સભા યોજાઈ હતી. આ બેઠકમાં વિરોધ પક્ષના સભ્યોના આંશિક વિરોધ સાથે જોકે તમામ કામો બહુમતીથી અથવા સર્વાનુમતે મંજુર થયા હતા.
ખાસ કરીને સુકાવલીના કૌભાંડ અંગે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં અપક્ષ સભ્ય બખ્તિયાર પટેલને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે એમ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું. પાલિકા દ્વારા કુલ 5 કરોડ રૂપિયાના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ સહિત માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.
મુકેશ વસાવા : અંકલેશ્વર