તહેવારો ટાણે જ બુટલેગરો પણ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ જિલ્લામાં સક્રિય થયેલા બુટલેગરો પર લગામ લગાવવા માટે હવે પોલીસ પણ સતર્ક બની છે, જિલ્લામાં વિવિધ સ્થળે દેશી, વિદેશી દારૂના વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલઆંખ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે.
ભરૂચના બંબાખાના નજીક તાડિયા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એક ફરાસખાનાના ગોડાઉનમાંથી તેમજ બોલેરો પિક-અપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર પરેશ જયંતિ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી વિદેશી દારૂ સહિત કુલ ૮,૬૯,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વની બાબત છે કે તાડીયા વિસ્તારની નજીકમાં જ જિલ્લા પોલીસ વડાની કચેરી, ક્રાઈમ બ્રાંચ તેમજ પોલીસ હેડ કવોટર્સ અને કલેક્ટર નિવાસ સ્થાનો આવ્યા છે અને એ જ વિસ્તારની બાજુમાં લાખોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ઝડપાવવાની બાબત ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે ભરૂચ જિલ્લામાં બુટલેગરો કેટલી હદે બેફામ બન્યા છે, અને બિન્દાસ અંદાજમાં શહેરમાં તો ઠીક પરંતુ ઉચ્ચ અધિકારીઓની કચેરી પાસેના વિસ્તારોમાં પણ વિદેશી દારૂના વેપલો કરવા માટે લાવી રહ્યા છે જે બાબત સમગ્ર મામલો સામે આવ્યા બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ભરૂચનાં તાડિયા વિસ્તાર નજીક ફરાસખાનાનાં ગોડાઉનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો : એક બુટલેગરની ધરપકડ.
Advertisement