ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઝઘડાનું સમાધાન કરવા બોલાવીને માર મારતા ત્રણ ઇસમો સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડીના નેત્રંગ રોડ પર દુધની દુકાન ધરાવતા અને રાજપારડીના માધુપુરા ખાતે રહેતા અજયભાઇ નારણભાઇ દેસાઇનો ભત્રીજો કુલદિપભાઇ કનુભાઇ દેસાઇ રાતના સાડા આઠના અરસામાં પાંઉભાજી લેવા ગયેલ, તે સમયે ત્યાં હાજર હિમાંશુ વસાવા તેમજ અજય વસાવા નામના ઇસમોએ કુલદિપને ગાળો દીધી હતી. કુલદિપે તેના કાકા અજય નારણભાઇ દેસાઇને આ બાબતે ફોનથી જાણ કરતા તેના કાકા પાંઉભાજીની દુકાને આવવા નીકળ્યા હતા, ત્યારે તેમનો ભત્રીજો કુલદિપ તથા હિમાંશુ ભગવાન વસાવા, અજય સોમા વસાવા તથા સુજીત વિષ્ણુ વસાવા રસ્તામાં સામા મળ્યા હતા. આ લોકો તેમને પણ ગાળો બોલ્યા હતા. ત્યારબાદ રાતના સવા નવ વાગ્યે અજય વસાવાએ અજય દેસાઇને ઝઘડાનુ સમાધાન કરવા જીએમડીસી ફાટક પાસે બોલાવ્યા હતા. અજય દેસાઇ તેમના અન્ય સંબંધીઓ સાથે ત્યાં આવતા સમાધાન કરવાની વાત કર્યા બાદ અજય વસાવા સાથે આવેલ હિમાંશુ ભગવાન વસાવા તેમજ સુજીત વિષ્ણુ વસાવાએ અજય દેસાઇને માર માર્યો હતો, અને અજય વસાવાએ પણ ગાળો બોલીને ઢિકાપાટુનો માર માર્યો હતો. તેમની સાથે આવેલ અન્ય ઇસમોએ તેમને વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ તે લોકો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી નાશી ગયા હતા. ઇજાગ્રસ્ત અજય દેસાઇને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. આ ઘટના અંગે અજયભાઇ નારણભાઈ દેસાઇ રહે.રબારી વાસ, માધુપુરા, રાજપારડી,તા.ઝઘડીયાનાએ સુજીત વિષ્ણુ વસાવા, હિમાંશુ ભગવાન વસાવા અને અજય સોમા વસાવા ત્રણેય રહે.રાજપારડી તા.ઝઘડીયા વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ