અંકલેશ્વર-હાંસોટના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અથાગ પ્રયત્નો અને પ્રેરણાથી અંકલેશ્વર-હાંસોટના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ” શ્રી ઠાકોરભાઈ પટેલ આટર્સ અને કોમર્સ કોલેજ ” નો ઔપચારિક રીતે ઈ.એન.જીનવાલા, અંકલેશ્વર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ, બળવંતભાઈ પટેલ, ઈ.એન.જીનવાલાના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર, નવનિયુક્ત કાર્યકારી આચાર્ય ડો કે.એસ.ચાવડા, અંગ્રેજી વિભાગના વડા ડૉ. જી.કે.નંદા, ગુજરાતી વિભાગના વડા પ્રવિણકુમાર બી.પટેલ, કોમર્સ વિભાગના વડા અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
ઈ.એન.જીનવાલાના ઉંબરે શ્રીફળ વધેરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે સૌને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, અંકલેશ્વરના ઈતિહાસમાં ઐતિહાસિક ક્ષણ છે. શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટસ અને કોમર્સ કોલેજ બંધ કરી દેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા ઈશ્વરભાઈ પટેલે સક્રિય ભૂમિકા ભજવીને, તમામ મોરચે લડત આપીને, શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ” શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ” સંસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોલેજ ફી માટે નહીં પણ આ વિસ્તારના વિદ્યાર્થીઓ ભરૂચ સુધી ન જવું પડે એ માટે અનુદાનિત ધોરણે સ્વીકારવામાં આવી છે. એ માટે પ્રેરણા પ્રોત્સાહન અને અથાગ પ્રયત્ન ઈશ્વરભાઈએ પૂરા પાડ્યા છે.
આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઈશ્વરભાઈએ શિક્ષણ અને કેળવણીનું સ્વપ્ન તેમના પૂજ્ય પિતાજીના નામે અને સાકાર કર્યું છે. ઈ.એન.જીનવાલા કોલેજના આચાર્ય ઈશ્વરભાઈ પરમારે કહ્યું હતું કે, ” શ્રી ઠાકોરભાઈના પ્રતિષ્ઠિત નામને આ વિસ્તાર પૂરતું નહીં, દક્ષિણ ગુજરાત નહીં, પૂરા ગુજરાતમાં આપણે રોશન કરી શકીએ તે માટે પ્રયત્ન કરવાનો છે. કેમ કે વિદ્યાર્થીઓ આપ સૌ કોલેજના પાયાની ઈંટ છો. આ પ્રારંભ છે તેથી ભાર વેઠવો પડશે. પરંતુ તેનાથી ભવિષ્યની સુંદર ઈમારત ઊભી થશે. ” તેમણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પૂરેપૂરો સહકાર આપવાની ખાત્રી આપી હતી. નવનિયુક્ત કાર્યકારી આચાર્ય ડૉ કે.એસ.ચાવડાએ કહ્યું હતું કે, ” શ્રી ઠાકોરભાઈ પટેલે જે સેવાની સુવાસ ભરૂચ જિલ્લામાં ફેલાવી હતી એને તેમના પુત્ર ઈશ્વરભાઈ પટેલે આગળ વધારી છે અને શહેરથી ગામડાં તરફ વિકાસ જતો એના બદલે ગામડાથી શહેર તરફ શિક્ષણ માટે લોકોની ચિંતા કરી છે. આજનો દિવસ ઈતિહાસનું અમર પાનું છે.” ” શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ” નામરૂપ એક સાચા સમાજસેવક શ્રી ઠાકોરભાઈના વ્યક્તિત્વને પ્રગટાવતાં સંસ્મરણો જયશ્રી ચૌધરીએ વાગોળતા કહ્યું હતું.”
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. નવ નિયુક્ત કાર્યકારી આચાર્ય ડો. કે.એસ. ચાવડાને એડમિનિસ્ટ્રેટરો, અધ્યાપકો તથા વિદ્યાર્થી પ્રતિનિધિઓએ પુષ્પ આપી સન્માન કર્યું હતું. વિદ્યાર્થીઓઓએ નવા, યુવા અને ઉત્સાહી એડમિનિસ્ટ્રેટર સાથે ફોટા પડાવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને મોં મીઠું કરવામાં આવ્યું હતું. આ શુભ દિવસે સૌને મીઠાઈ વહેંચવામાં આવી હતી. કોલેજના કેમ્પસ એમ્બેસેડર કિશન આહીર, પાયલ કેશવ પટેલ, રાહુલ વસાવા, રાહુલ પટેલ તથા કિશન પટેલ, વિશાલ પટેલ, દિગ્વિજય વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.