ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ધોરીમાર્ગ પર મંગળવારના રોજ સવારે બે મોટરસાયકલો સામસામે અથડાતા થયેલા એક અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.
આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપિપલાનો રહીશ હિતેશભાઇ લક્ષમણભાઇ વસાવા ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો હતો. ગતરોજ સવારના સમયે હિતેશભાઇ પોતાની મોટરસાયકલ લઇને રાજપીપલાથી ભરૂચ પોતાની ફરજ પર જતો હતો તે દરમિયાન ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસે ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઉમલ્લા તરફથી રોંગ સાઇડે આવતી એક બાઇક આ પોલીસ કર્મીની બાઇક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આ બાઇકચાલક પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ પહોચી હતી. પ્રાથમિક સારવાર માટે ઉમલ્લા અને ત્યારબાદ રાજપિપલા લઇ જવાયો હતો. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને માથામાં વધુ ઇજા હોઇ, વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.
અકસ્માતની આ ઘટના અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર લાંબા સમયથી રોંગ સાઇડે દોડતા વાહનોની સમસ્યા જણાય છે. ઉમલ્લા નજીક આરપીએલ કંપની નજીક પોલીસે રીતસર ચેકપોસ્ટ ઉભી કરેલી છે અને રાજપારડીથી થોડે દુર ઝઘડીયા રોડ પર પણ રાજપારડી ટ્રાફિક જવાનો ફરજ બજાવતા જણાય છે, ત્યારે રોંગ સાઇડે જતા વાહનો કેમ અટકતા નથી એ પણ એક રહસ્યમય પ્રશ્ન છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ