ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. જીએમડીસી માં જમીન ગુમાવનાર કેટલાંક સ્થાનિક લેન્ડ લુઝરો લિગ્નાઇટ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા. ત્યારબાદ આ કામદારોને કોઇપણ જાતની નોટિસ આપ્યા વિના છુટા કરવામાં આવ્યા હતા.
આ લેન્ડ લુઝરોના પરિવારો જીએમડીસી આવ્યા પહેલા પોતાની જમીનમાં ખેતી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જીએમડીસી માં તેમની જમીનો જતા તેમને જીએમડીસીમાં કોન્ટ્રાક્ટમાં નોકરીએ લેવાયા હતા.પરંતુ ત્યારબાદ તેમને કોઇપણ જાતની નોટિસ આપ્યા વિના છુટા કરી દેવાયા હતા. તેમણે વારંવાર સ્થાનિક તેમજ ઉચ્ચ સ્તરે નોકરીમાં લેવાય તે માટે રજુઆતો કરવા છતા કોઇ પરિણામ ન આવતા આ લેન્ડ લુઝરોએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાને લેખિતમાં રજુઆત કરીને તેમને નોકરીમાં લેવાય તે માટે યોગ્ય કરવા માંગ કરી હતી. દરમિયાન ઝઘડીયા તાલુકા યુવા ભાજપાના કોષાધ્યક્ષ નિતેશ વસાવાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે જો આ બાબતે દસ દિવસમાં ઘટતુ નહિ થાય તો તેઓ કાર્યકરો સાથે ભાજપામાંથી રાજીનામું આપશે એમ જણાવ્યુ હતુ. આમ રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના નોકરીમાંથી છુટા કરાયેલા લેન્ડ લુઝરોને નોકરી આપવામાં થઇ રહેલા વિલંબથી આ મુદ્દે દિવાળીની પુર્વ સંધ્યાએ ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટમાં ઘણા બહારના લોકો કામ કરે છે ત્યારે જીએમડીસી માં જમીનો ગુમાવનાર લેન્ડ લુઝરો માટે ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ થયેલો દેખાતા આશ્ચર્ય સર્જાયુ છે !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ