આઝાદીના વર્ષો બાદ પણ નસવાડીના કુકરદા ગામે ફળીયામા રહેતા ગ્રામજનોની સુવિધાઓ માટે પાકા રસ્તા નથી. ચોમાસાના ચાર માસ તો આ ફળીયામા સાઈકલ પણ જઈ ન શકે તેવી પરિસ્થિતિ હોય છે ત્યારે મનરેગા યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે કુકરદા ગામના ફળીયામા માટી મેટલના રસ્તા બન્યા હતા. જે રસ્તા પહેલા વરસાદમા ધોવાઈ ગયા અને લાખો રૂપિયાનો માટી – મેટલનો મેકબ ધોવાઈ ગયો હતો. આ રસ્તાના ધોવાણમા મોટા ખાડા એવા પડ્યા કે રસ્તા વચ્ચેથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે અને સરકારી તંત્રને પણ આદિવાસી લોકો જીવે મરે કોઈને કઈ પડી નથી તેમ દેખાઈ રહ્યું છે.
26 જુલાઈના રોજ ભારે વરસાદ થયો હતો ત્યારે આ માટી મેટલના રોડ ધોવાયા હતા. જે બાબતે એહવાલ પ્રસિદ્ધ થયો હતો ત્યારબાદ જિલ્લા કલેકટર ડીડીઓને પણ રસ્તા ધોવાણની પરિસ્થિતિનું ટ્વિટ કરાયું હતું. ત્યારબાદ નસવાડીના તંત્રને પણ આ બાબતે ધ્યાન કરાયું હતું. હવે જ્યારે 90 દિવસ પૂર્ણ થયા છે. છતાંય પરિસ્થિતિ તે જ છે. જેસીબી રસ્તા સરખા કરવા ફક્ત ફોટો શેશન પૂરતું ગયું હતું. પરંતુ જે રસ્તામા કટ છે તે કામગીરી કરાઈ નથી. કારણ કે હવે બધી કામગીરી ફોન પર થાય છે. પરંતુ મનરેગા યોજનાના ટેકનિકલ કે અન્ય જવાબદાર વ્યક્તિ સ્થળ પર ઉભા રહી ગ્રામજનોને મુશ્કેલી તો નથી તેવી કામગીરીમા કોઈને રસ નથી તે આજની પરિસ્થિતિમા દેખાઈ રહ્યું છે.
દિવસે ગ્રામજનો આ રસ્તામા દુઃખ ભોગવે છે. પરતું રાતના અંધારામા ગ્રામજનો આ રસ્તે અવરજવર કરવામા વધુ મુશ્કેલી ભોગવે છે. સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ જો પ્રાથમિક સુવિધાને લગતી કામગીરી થતી ન હોય તો હવે ક્યાં એ વ્યક્તિને રજૂઆત કરવી તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. જિલ્લા કલેકટર, ડીડીઓ આ બાબતે સચોટ એહવાલ મંગાવી બેજવાબદાર સામે તત્કાલ પગલાં ભરી કડક દાખલો બેસાડે તેવી ગ્રામજનોની માંગ છે.
પ્રાથમિક સુવિધા બાબતે તંત્ર ધ્યાન આપતું નથી કાચા રસ્તા પર અમારા વિસ્તારમા 108 તો આવતી નથી. આજે ત્રણ મહિના થયા છતાંય કોઈ ધ્યાન આપતું નથી. કલેકટર, ડીડીઓને પણ અમારા વડીલે ટ્વિટ કર્યું હતું. છતાંય પરિસ્થિતિ આજ છે પછી અમે ક્યાં રજૂઆત કરીએ ? વર્ષોથી આ રીતે જીવી રહ્યા છે. રજૂઆત કોઈ સાંભળતું નથી જેને લઈ અમારા આદિવાસીઓના પ્રશ્ન ઠેરના ઠેર છે. રસ્તા વ્યવસ્થિત કરાઈ એવી અમારી માંગ છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર