ભરૂચ જિલ્લામાં રવિવારે રાત્રીથી સોમવાર સવાર સુધીના ગત ૧૨ કલાક જાણે કે અકસ્માતોનો દિવસ સાબિત થયો હતો, જેમાં ત્રણ જેટલી ઘટનાઓમાં ૩ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા તેમજ ૮ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની પ્રથમ ઘટના ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર બની હતી જેમાં એક સાથે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતની ઘટનામાં શહેરના ફુરજા વિસ્તારમાં રહેતા અયાજ નામના બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજાઓના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, મહત્વનું છે કે નર્મદા મૈયા બ્રિજ ઉપર કેટલાય લોકો વાહનો ઉભા રાખી સેલ્ફી લેવાના ક્રેઝ એ અન્ય વાહન ચાલકો માટે મુસીબત સમાન બની રહ્યા છે.
અકસ્માતની બીજી ઘટના અંકલેશ્વરના ને.હા ૪૮ પર અંસાર માર્કેટ નજીક બની હતી જેમાં બે બાઇક સવાર યુવાનોને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જોકે હાઇવે પર સર્જાયેલ અકસ્માતની ઘટના બાદ શહેર પોલીસના કાફલાએ સ્થળ પર દોડી જઇ ટ્રાફિકને ખૂલ્લો કરી મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અકસ્માતની ત્રીજી ઘટના સોમવારે સવારે ભરૂચ, જંબુસર માર્ગ ઉપર દેરોલ ગામ નજીક સર્જાઈ હતી જેમાં એક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનામાં ૮ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો અકસ્માત બાદ એક સમયે સ્થળ પર ભરૂચ, જંબુસર વચ્ચે દોડતા વાહનોની ટ્રાફિકના કારણે લાંબી કતારો જામી હતી, ઘટનાની જાણ ભરૂચ તાલુકા પોલીસને થતા પોલીસ વિભાગના કર્મીઓએ સ્થળ પર દોડી જઇ વાહન વ્યવહાર ખૂલ્લો કરાવ્યો હતો.