માંગરોળ તાલુકાના કંસાલી ગામે ખેતરનાં એક રૂમમાંથી માંગરોળ પોલીસે બાતમીને આધારે રૂપિયા ૧,૧૪,૦૦૦ નો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
હાલમાં દિવાળીના તહેવારો નજીક હોવાથી સુરત જિલ્લા નાયબ પોલીસવડા સી એમ જાડેજા અને અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા તહેવારોમાં દારૂનું દુષણ અટકાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી સૂચના હેઠળ માંગરોળ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.ચાવડાએ સ્થાનિક પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન વાંકલ આઉટ પોસ્ટ ના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ બાવાભાઈ ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે કંસાલી ગામે રહેતો માજી સરપંચ સુભાષભાઈ ઇશ્વરભાઇ ગામીતે પોતાના ખેતરમાં આવેલ એક રૂમમાં માંડવી તાલુકાના કદવાલી ગામના સુનિલભાઈ બાબુભાઈ ગામીત સાથે મેળાપીપણુ કરી દિવાળીના તહેવારમાં દારૂનું વેચાણ કરવા માટે મોટાપાયે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ સંતાડયો છે.જેને આધારે પો.કો. મિતેશભાઇ છાકાભાઇ ચૌધરી તેમજ પો.કો. સુહાગભાઈ ચૌધરી વગેરેની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રૂમમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના બોક્સ મળી આવ્યા હતા. કુલ ૧૩૨૦ બોટલ જેની કિંમત રૂપિયા ૧,૧૪,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ સુભાષભાઈ ઇશ્વરભાઇ ગામીત કંસાલી અને સુનિલભાઈ બાબુભાઈ ગામીત કદવાલીને વોન્ટેડ જાહેર કર્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ