વડોદરાના લીલોરા ગામમાં છ દિવસનું બાળક બે દિવસથી ગુમ થયું છે. બાળક તેના માતા પાસે સૂતુ હતુ ત્યારે કોઈ તેને ઉપાડીને લઈ ગયુ હતું. ત્યારે બે દિવસથી ગુમ બાળકનું અપહરણ થયું હોવાની પરિવારજનોને આશંકા છે. પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકનાં પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતાં પોતાના ઘરે આવ્યાં હતાં. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજું જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠયાં હતાં. સંગીતાબેનને અગાઉની ડિલિવરીમાં એક અઢી વર્ષની બાળકી છે, હાલ તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતાં માતા સંગીતાબેન ભાંગી પડ્યાં હતાં. બાળકનો ઉપયોગ કોઈ તાંત્રિક વિધિમાં પણ થયો હોવાની ચર્ચા ઉઠી છે. સમગ્ર મામલે બાળકનુ અપહરણ થયુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પુનમભાઈનો પરિવાર કાચા ઝુપડામાં રહે છે. તેથી અપહરણકર્તા સરળતાથી બાળકને ઉઠાવવામાં સફળ રહ્યો હતો. સમગ્ર ઘટના બાદ DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
બાળકને શોધવામાં ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસ હાલ તમામ વિસ્તારોમાં બાળકને શોધી રહી છે. હાલ બાળકો ચોરવાની ઘટના વધી રહી છે, આવામાં બાળ તસ્કરી પણ થઈ હોવાની શંકા સેવાઈ રહી છે.