આજે ઇદેમિલાદનું પર્વ સર્વ સ્થળોએ પરંપરાગત હર્ષોલ્લાસ અને ઉમંગના માહોલ વચ્ચે મનાવાયુ. હાલમાં પ્રવર્તમાન કોવિડ ગાઇડલાઇનને અનુલક્ષીને ઇદેમિલાદનુ પર્વ સાદગીપુર્ણ રીતે મનાવાયુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ પયગંબરે ઇસ્લામના જન્મદિન એવા ઇદેમિલાદના પર્વને પરંપરાગત ઉત્સાહ અને સાદાઇથી મનાવ્યુ. ઇદેમિલાદની આગળની રાત્રી દરમિયાન મસ્જિદો અને દરગાહોને લાઇટ ડેકોરેશનથી સજાવવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની મુબારકબાદ પાઠવી હતી. ઇદેમિલાદના પર્વ નિમિત્તે મસ્જિદોમાં પયગંબર સાહેબના બાલ મુબારકના દર્શન કરાવવામાં આવ્યા હતા. મસ્જિદોમાં મૌલાનાઓએ ઇદેમિલાદના પર્વ નિમિત્તે વૈશ્વિક શાંતિ અને ખુશહાલીની દુઆઓ માંગી હતી. આ લખાય છે ત્યારે ઝઘડીયા તાલુકામાં ઇદની ખુશીનો માહોલ ફેલાયેલો છે. તાલુકાના ઝઘડીયા, સુલ્તાનપુરા, લિમોદરા, કપલસાડી, રાજપારડી, વણાકપોર, ભાલોદ, તરસાલી, ઉમલ્લા, ઇન્દોર, વેલુગામ સહિતના ગામોએ મુસ્લિમ બિરાદરોએ કોવિડ ગાઇડ લાઇન મુજબ સાદગીમય માહોલ વચ્ચે પયગંબરે ઇસ્લામના જન્મદિનના પર્વને ઉત્સાહથી મનાવ્યુ હતુ. શાંતિ અને ભાઇચારાનો સંદેશ લઇને આવતા ઇદેમિલાદના પર્વને ઝઘડીયા સહિત સમગ્ર ભરુચ જિલ્લામાં ઉત્સાહમય માહોલ વચ્ચે સાદાઇથી મનાવાયુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ