પાલેજ સ્થિત મદની હૉલ ખાતે ઇદે મિલાદ પ્રસંગે મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફીનો ગતરાત્રીના બયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે મંગળવારના રોજ ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયા બાવા સાહેબની દરગાહ પર જઈ ઇદે મિલાદ પ્રસંગે હજરત મુહમ્મદ પયગંબર સાહેબના મુએ મુબારકની મુસ્લિમ બિરાદરોએ જિયારત કરી ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમના પ્રારંભે મૌલાના મોહમ્મદ અલી અશરફી સાહેબે નાઅત શરીફના ગુલદસ્તા રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. મૌલાના મોહમ્મદ અશરફીએ હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જીવન ચરિત્ર વિશે રસપ્રદ ચોટદાર માહિતી હાજરજનોને પુરી પાડી હતી.
બયાનમાં તેઓએ જણાવ્યું હતુ કે હજરત મુહમ્મદ પયગંબર સાહેબ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કદી ધનિક હોવા પર ગર્વ ન કરતા. હજરત મુહમ્મદ પયગંબર સાહેબ જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે સમગ્ર દુનિયા રોશનીથી ઝળહળી ઉઠી હતી. હજરત મુહમ્મદ પયગંબર સાહેબ નુર બનીને આવ્યા હતા.
હજરત મુહમ્મદ પયગંબર સાહેબની ખૂબસૂરતીનો સદકો હજરત યુસુફ અલયહિસ્સલામને હજરત મુહમ્મદ પયગંબર સાહેબથી મળ્યો હતો. આપણે તો હમેશા હજરત મુહમ્મદ પયગંબર સાહેબની ગુલામીનો દમ ભરી રહ્યા છીએ. હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જીવન ચરિત્ર વિશે રસપ્રદ માહિતી મેળવી અકિદતમંદોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે મંગળવારના રોજ ઇદે મિલાદ પ્રસંગે હજરત સૈયદ મોટામિયા બાવા સાહેબની દરગાહ પર જઈ મુસ્લિમ બિરાદરોએ મુએ મુબારકની જિયારત કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમની સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરાઈ હતી. સલાતો સલામ તેમજ દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
યાકુબ પટેલ, ભરૂચ