ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આગામી ઇદે મિલાદ તેમજ દિવાળીના તહેવારો શાંતિમય માહોલ વચ્ચે ઉજવાય તે માટે ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાના અધ્યક્ષ સ્થાને ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નગરના વેપારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા તહેવારો શાંતિમય માહોલમાં તેમજ કોવિડ ગાઇડલાઇનના નિયમો મુજબ મનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ દિવસો દરમિયાન જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની પોલીસને જાણ કરવા જણાવાયુ હતુ. ઉપરાંત તહેવારોના દિવસો દરમિયાન જો કોઇ નાગરિકો પોતાના મકાનો બંધ કરીને બહાર જવાના હોય તો તેની પણ પોલીસને જાણ કરવા જણાવાયુ હતુ. ઉલ્લેખનીય છે કે ઘણીવાર બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવતા હોય છે, ત્યારે આવી તકેદારી રાખવી જરુરી છે. શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ દ્વારા કરાયેલ સુચનોને અગ્રણીઓએ આવકારીને પુરો સહયોગ આપવા ખાતરી આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ