ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા સંમત થયા છે. નોંધનીય છે કે તાજેતરમાં તે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ બાદ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી શકે છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે. વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટનશિપ છોડવાની પણ જાહેરાત કરી છે.
દુબઈમાં બીસીસીઆઈના BCCI સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક યોજી અને ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમમાં જોડાવા માટે કહ્યું. દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમનો કોચ રહેશે. દ્રવિડ ઉપરાંત પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેનો કાર્યકાળ પણ 2023 વર્લ્ડ કપ સુધી પણ રહેશે. દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ છે. શુક્રવારે રાત્રે આઈપીએલની ફાઇનલ દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો મુખ્ય કોચ હશે. તેઓ ટૂંક સમયમાં NCA ચીફના પદ પરથી રાજીનામું આપશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સૂત્રોએ કહ્યું કે દ્રવિડે કોચ બનવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. તેમણે કહ્યું કે આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. વિક્રમ બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. તેમના સિવાય અન્ય પોસ્ટ્સનું ધ્યાન રાખવામાં આવશે. રાહુલ દ્રવિડ હંમેશા બીસીસીઆઈની પ્રથમ પસંદગી હતા.