માંગરોળ અને વાલિયા તાલુકાના વિદ્યાર્થીઓ માટે દોડાવવામાં આવતી વાંકલ રાજપરા એસ.ટી રુટને ટિકિટ કાઢવાનું મશીન નહીં હોવાના બહાના હેઠળ રદ કરી દેવાતા અનેક વિદ્યાર્થીઓ રસ્તા વચ્ચે રઝળી પડતા માંડવી એસ.ટી ડેપોના અંધેર વહીવટનો ભોગ વિદ્યાર્થીઓ બની રહયા છે.
તાજેતરમાં માંડવી એસ.ટી ડેપો દ્વારા તારીખ 12 મી ના રોજ વાંકલ- રાજપરા વાંકલ- ભડકુવા વિદ્યાર્થી એસ.ટી રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. આ બસ દ્વારા ઊંડાણના ગામોના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ વાંકલ ખાતે શાળા હાઇસ્કુલ કોલેજ અને ખાનગી સંસ્થાઓમાં નિયમિત અભ્યાસ અર્થે આવે છે. સદરહુ એસ.ટી રુટ શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી અને બીજે દિવસે આનંદનો અનુભવ વેદનામાં પલટાઈ હતો. તારીખ 13 મી ના રોજ સદરહુ એસ.ટી બસના તમામ વિદ્યાર્થી રૂટ ટીકીટ કાઢવાનું મશીન નહીં હોવાના બહાના હેઠળ રદ થતાં વાંકલ ખાતે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એસ.ટી.બસ વિના રઝળી પડયા હતા. ઉપરોક્ત એસ.ટી રુટને ગુંદીયા સુધી લંબાવવામાં આવ્યો છે તેની સામે વિદ્યાર્થીઓને કોઇ વાંધો નથી પરંતુ 7:30 ના બદલે 9:00 કલાકે ઉપાડવાનો સમય રાખવામાં આવે ટાઈમ ટેબલમાં બિન જરૂરી ફેરફારો કરવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓની મુશ્કેલી સંદર્ભમાં સ્થાનિક ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદો કરવામાં આવી રહી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ