ચાલુ સાલે ચોમાસાની શરુઆતે થયેલ વરસાદના આગમન બાદ આગળના બે મહિનાઓ નહિવત વરસાદને લઇને મોટાભાગે કોરા ગયા હતા. વરસાદની કમીની અસર જનજીવન પર સ્પષ્ટપણે દેખાતી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ વરસાદની ખેંચથી જનતા અને ખેડૂત આલમમાં ચિંતા જણાતી હતી. ત્યારે ભાદરવો ભરપૂર એ ઉક્તિને સાર્થક કરતો હોય એમ ભાદરવામાં થયેલ વ્યાપક વરસાદે નદીનાળા છલકાવી દીધા હતા. તેમજ સુકાતી ખેતીને પણ રાહત મળી હતી. આગળના મહિનાઓ દરમિયાન ઉદભવેલી વરસાદની ખેંચથી તાલુકાના બજારોમાં મંદી જણાતી હતી. કોરોના સંક્રમણની દહેશત વચ્ચે વરસાદની ખેંચને લઇને જનતાની ચિંતામાં વધારો જોવા મળતો હતો.
ભાદરવા દરમિયાન વરસાદ મન મુકીને વરસતા આગળના મહિનાઓની વરસાદની ખોટ પુરાઇ જવા પામી હતી. ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા એ ત્રણ મહત્વના વેપારી મથકો છે. તાલુકાની ગ્રામ્ય જનતા વિવિધ વસ્તુઓની ખરીદી માટે આ ત્રણ નગરોના બજારોમાં આવતી હોય છે. ભાદરવા દરમિયાન થયેલ સારા વરસાદથી આગામી વર્ષ સારુ આવવા ઉપરાંત દિવાળીના દિવસો પણ સારી રીતે ઉજવાશે એવી આશા જનતામાં દેખાઇ રહી છે. ભાદરવો ભરપુર થતા આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની તેમજ પશુઓ માટેના ઘાસચારાની સંભવિત દહેશત પણ દુર થઇ છે. દિવાળી નજીકમાં છે ત્યારે તાલુકાની જનતામાં દિવાળી બાદ શરુ થનાર નવા વર્ષને આવકારવાનો ઉત્સાહ જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ