ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોંઘવારી બાબતે પત્ર લખ્યો છે અને કોરોનાની વેક્સિનની જેમ જ યોજનારૂપી “મોંઘવારી વેક્સિનનુ” સંશોધન કરવામાં આવે તેવી અપીલ કરી છે.
આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી આખા રાજ્યમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. કોરોનાને નાથવા માટે ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કોવેકસિન અને કોવિશિલ્ડ નામની વેક્સિન વિકસાવવામાં આવી હતી. ગુજરાત સરકાર અને રાજ્યના આરોગ્યતંત્ર દ્વારા કોરોનાથી લોકોને બચાવવા માટે વેક્સિનેશન કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આમ સરકાર ઈચ્છે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓનું નિવારણ કાયમી ધોરણે લાવી શકે છે. રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મારી હ્રદય પૂર્વક અપીલ છે કે કોરોનાની જેમ મોંઘવારી પણ ભયંકર મહામારી જ છે, તો આ મોંઘવારી નિયંત્રણ કરવા તાત્કાલિક કોઈ યોજના રૂપી “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરીને લોકોની જિંદગીનું સુખાકારી વેક્સિનેશન કરવામાં આવે, જેથી કોરોનાથી બચી ગયેલા લોકોને પણ મોંઘવારીના મુખમાંથી બચાવી લેવાય. આપણા ગુજરાતમાંથી નેતૃત્વ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આ બાબતે ટેલીફોનિક અથવા લેખિત જાણ કરવા ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ભલામણ કરી છે. વધુમાં તેમણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અંણખી ગામના સાત આદિવાસી પરિવારો ગણપતિ મૂર્તિની સ્થાપના કરી પૂજન અર્ચન કરતા હતા ત્યારે ગામના સરપંચ અને અન્ય લોકોએ ભેગા મળી જીવલેણ હુમલો કર્યો હતો અને જાતિ વિષયક શબ્દો બોલી માર મારવામાં આવ્યો હતો, તે બાબતે તેમણે જણાવ્યું હતું કે અસ્પૃશ્યતા આજે વર્તમાન યુગમાં પણ પ્રવર્તે છે, તો આ બાબતે શું પગલાં લેવાશે તે સ્પષ્ટ થવુ જોઇએ. ઉપરોક્ત બંને બાબતને ધ્યાનમાં લઇ સમગ્ર રાજ્યના હિતમાં ત્વરિત પગલા લેવા ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ખાસ ભલામણ પત્ર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરી હતી.