વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે 500થી વધુ વિદ્યાર્થીઓ હોવાથી ગરબા બંધ કરાવતાં મામલો ઉગ્ર બન્યો હતો. તમામ નાગરિકોને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની હોય છે. જોકે સુરતમાં પોલીસની જવાબદારી વ્યક્તિ, હોદ્દા પ્રમાણે જુદી જુદી રીતે અમલમાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે બે દિવસ અગાઉ રવિવારે જ ગૃહ રાજ્યમંત્રી સુરતના પ્રવાસે હતા, જેમાં તેઓ માસ્ક વગર અને ટોળાં એકઠાં કરીને સન્માન સ્વીકારતા જોવા મળ્યા હતા.તે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં સોમવારની રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર ગરબા રમતી વખતે કાર્યવાહી કરવામાં આવી અને તેમના શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યાં હતાં.
પોલીસની આ કામગીરી સામે શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ તે પોલીસનાં કેવાં રૂપ?પોલીસે વિદ્યાર્થીઓને ઘસડી ઘસડીને માર્યા હતા. 3થી 4 વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઈ જવાતાં વિદ્યાર્થીઓના ટોળાંએ ત્યાં જઈ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહિ પીઆઈની ચેમ્બરની બહાર સૂત્રોચ્ચાર કરતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટોળાને વિખેર્યા હતા. કુલ 3 કલાકથી વધુ આ બબાલ ચાલી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાની વાત એક વિદ્યાર્થીનીએ કરી હતી. વિદ્યાર્થીઓ તથા યુનિ.ના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, પોલીસે માસ્ક મુદ્દે વિરોધ ઉઠાવ્યો હતો. રવિવારે નેતાઓને નિમયો તોડવાની છૂટ આપનાર પોલીસે સોમવારે રાત્રે જ સિંઘમ બની ગઈ હતી. સોમવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે દાદાગીરી દર્શાવી હોય એ રીતે રાત્રે જ યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કર્યા વગર પહોંચી જઈને કાર્યવાહી કરી હતી.
માર મારવામાં આવતાં સાત જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા તો બીજી તરફ વિદ્યાર્થીઓનાં શર્ટ પણ ફાટી ગયાં એ પ્રકારે પોલીસે જોર લગાવ્યું હતું.જો કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોલ કરતાં મોડીરાતે વિદ્યાર્થીઓને છોડી મૂકાયા હતા. ઉમરા પીઆઇએ હાથ જોડવા પડ્યા હતા. પોલીસ સામે JCPને તપાસ સોંપાઈ છે.