કોલસાની કમી ને કારણે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ એ વીજળીની આપૂર્તિ કરનાર વીજળી કેન્દ્રોના કુલ 13 યુનિટને રવિવારે બંધ કરવા પડ્યા છે. તેના કારણે રાજ્યમાં 3300 મેગાવોટ વીજળીની આપૂર્તિ બંધ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે ગ્રાહકોને ઓછી વીજળીનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. દેશના 137માંથી 72 પાવર પ્લાન્ટ પાસે ત્રણ દિવસ ચાલે એટલો કોલસો, 50 પાવર પ્લાન્ટ પાસે ચારથી દસ દિવસ ચાલે એટલો જ કોલસો. આ આંકડા બતાવે છે કે, પાવર પ્લાન્ટો પાસે પૂરતો કોલસો નથી. હવે સવાલ એ છે કે, આવી સ્થિતિ સર્જાઈ કેમ દેશ જે કોલ ઈન્ડિયા પર કોલસા માટે નિર્ભર છે, શું તે પૂરતો પુરવઠો પહોંચાડવામાં નિષ્ફળ રહી?
હજુ પણ કોલ ઈન્ડિયા પાસે 400 લાખ ટન કોલસાનો સ્ટોક છે. તેનાથી 24 દિવસ પુરવઠો પૂરો પડી શકે છે. હકીકતમાં વિદેશમાં કોલસો મોંઘો થતા જ પાવર પ્લાન્ટોએ તેની આયાત બંધ કરી દીધી. તેઓ સંપૂર્ણપણે કોલ ઈન્ડિયા પર નિર્ભર રહેવા લાગ્યા. કોલસાની અછતનો સામનો કરવાની તૈયારી પ્લાન્ટોની પાસે પણ ન હતી. તેથી તેમણે સ્ટોક ક્ષમતા પણ ઘટાડી દીધી. બાદમાં જેવો પુરવટો ઘટ્યો, વીજ યુનિટ બંધ થવા લાગ્યા. તેનો અર્થ સ્પષ્ટ છે કે, આયાત બંધ થવાથી સર્જાયેલી સ્થિતિ સામે લડવા ના તો કોલ ઈન્ડિયા તૈયાર હતી, ના તો પાવર પ્લાન્ટો!
બીજી તરફ, દિલ્હીમાં કોલસા મંત્રાલયે રવિવારે કહ્યું કે, પ્લાન્ટો માટે અમારી પાસે પૂરતો પુરવઠો છે. વિવિધ પાવર પ્લાન્ટ પાસે હાલ 72 લાખ ટન કોલસો છે, જે ચાર દિવસ ચાલી શકે એમ છે. કોલ ઈન્ડિયા પાસે પણ 400 લાખ ટનથી વધુ કોલસો છે. તે વિવિધ પાવર પ્લાન્ટને પહોંચાડવાનો છે. આ ઉપરાંત વીજ મંત્રાલયે રવિવારે કહ્યું કે, વીજળીની ખપત શનિવારે 7.2 કરોડ યુનિટ (2%) ઘટીને 382.8 કરોડ યુનિટ થઈ ગઈ, જે શુક્રવારે 390 કરોડ યુનિટ હતી. આ કારણસર કોલસાની અછત સર્જાઈ, પરંતુ બાદમાં દેશભરમાં વીજ પુરવઠામાં સુધારો પણ થયો.
વર્તમાનમાં વીજળીની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે 3330 મેગાવોટના અંતરને ભરવા માટે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદવામાં આવી રહી છે. દેશભરમાં વીજળીની માંગ વધવાને કારણે વીજળીનું ખરીદ મૂલ્ય પણ વધી ગયું છે. ખુલ્લા બજારમાંથી 13.60 રૂપિયા પ્રતિ યુનિટના દરથી 700 મેગાવોટ વીજળી ખરીદવામાં આવી રહી છે. રવિવારે સવારે રીયલ ટાઇમ ટ્રાન્જેક્શનથી 900 મેગાવોટ વીજળી 6.23 રૂપિયા પ્રતિ યુનિટના દરે ખરીદવામાં આવી છે. આ ઉપરાંત, કોયના ડેમ તેમજ અન્ય નાના હાઈડ્રો પાવર પ્લાન્ટ અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો દ્વારા વીજળી આપવામાં આવી રહી છે. રાજ્યમાં વધતા તાપમાનને કારણે વીજળીની માંગમાં પણ વધારો થયો છે, જ્યારે કોલસાની અછત વધુ ઘેરી બની રહી છે.