ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રીશ્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમના ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે સવારે ૧૧ કલાકે ભરૂચ જીએનએફસી ખાતે જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજીને સમાજના છેવાડાના માનવી સુધી સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો ઝડપથી અને સમયસર પહોંચે તે રીતની કાર્યપધ્ધતિ વિકસાવવાની ખાસ હિમાયત કરી હતી.
ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર યોગેશભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પ્રાંતઅધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યાજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત એસ.ટી.વિભાગ દ્વારા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી લોકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના રૂટ પર બસો નિયમિત મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, શાળાના ઓરડા બનાવવા, વરસાદના પાણીથી માર્ગોને થયેલી નુકસાની તથા ખેડૂતોના પાકને થયેલી નુકસાનીની સર્વેલન્સની કામગીરી તથા જીઆઇડીસીમાંથી ખાડીઓમાં છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીને અટકાવવા માટે કામગીરી કરી સત્વરે હાથ ધરી પૂર્ણ કરવા મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી પૂર્વ ધારાસભ્ય રમશે મિસ્ત્રી અને જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા અને નિરલ પટેલ તેમજ પદાધિકારીઓ દ્વારા જિલ્લાના માર્ગ-મકાન વિભાગ, એસ.ટી., સિંચાઇ, જીપીસીબી, જિલ્લાની વિગેરે કચેરીઓ માટે બેઠકમાં કરાયેલી રજૂઆતના ઉકેલ માટે હકારાત્મક અભિગમ ધ્વારા પ્રજાકીય પ્રશ્નોના સુખદ અને સુચારા ઉકેલ માટે ચર્ચા-વિચારણા કરાઇ હતી અને આગામી ૨૯ ઓકટોબરે યોજાનારી જિલ્લાની મિટિંગમાં તમામ કામગીરીનું ફાઈનલ નિકાલ લાવી રિપોર્ટ આપવા જણાવી મંત્રી દ્વારા જરૂરી સૂચનાઓ અપાઇ હતી.