માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વન વિભાગ વિશ્રામ ગૃહ ખાતે વાંકલ વન વિભાગની કચેરી દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની તારીખ ૨ થી ૮ ઓક્ટોબર સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઉજવણીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરાયું હતું. જીલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ સુરતીએ વન્ય પ્રાણીઓ તથા વનોને સાચવવા બદલ વન વિભાગ તેમજ વન સમિતિનો આભાર માન્યો હતો તેમજ ભવિષ્યમા વન્યપ્રાણીને રાખવા માટે રેસ્કયુ સેન્ટર, હોસ્પિટલ બનાવવા માટે જણાવવામા આવ્યું હતું. તેમજ સુરત વનવિભાગના મદદનીશ વન સંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડાએ દીપડાના સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત સભ્ય મુકેશભાઈ ગામીત અને વન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામનું આયોજન વાંકલ રેન્જના આર એફ ઓ નીતિન વારમોરા, માંગરોલ રેન્જના આર એફ ઓ જયદીપ ગઢવી તેમજ ફોરેસ્ટર, જયેશ વસાવા, જયંતિ બારીયા, સુરેશ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ