બળીયા દેવ દરેક ગામમાં હોય છે બળીયા દેવ બાળકોના દેવતા છે તેમનો મહિમા અપરંપાર છે બળીયા દેવના મંદિરે ઠંડુ ખાવાનો અને દર્શન કરવાનો અનોખો મહિમા હોય છે. બળીયા દેવનું એક એવું જ પ્રસિદ્ધ મંદિર ગોધરાના તીરઘરવાસ ખાતે આવેલ છે જ્યાં તીરઘરવાસ સમાજના વડીલો અને નવયુવાનો દ્વારા બળીયા દેવ મહારાજનો તૃતીય પાટોત્સવ નિમિત્તે હોમહવન કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ગોધરાના તીરઘરવાસ ખાતે તીરઘર સમાજના વડીલો અને નવયુવાન એવા જગદીશભાઈ ભગવાનભાઈ પરમારના નેતૃત્વ હેઠળ બળીયા દેવ મહારાજનો તૃતીય પાટોત્સવ નિમિત્તે સમાજના સાત જોડાઓને એક સાથે બેસાડી હોમહવન કરાવી ધન્યતા પૂર્વક ઉજવણી કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત તીરઘર સમાજના આગેવાનો અને નામી અનામી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બળીયા દેવ મહારાજના ભંડારા પ્રસાદનો લ્હાવો લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગોધરાના તીરઘરવાસ ખાતે રહેતા તીરઘર સમાજના લોકો મજૂરી કરીને પોતાનું ભરણપોષણ કરતા હોય છે પરંતુ જ્યારે ધાર્મિક કાર્યક્રમોની વાત કરવામાં આવે તો તમામ તીરઘર સમાજના લોકો એકઠા થઈ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરતા હોય છે. જેમાં રામજી મંદિરમાં, રામનવમી, ભૈરવદાદાની પૂજા, ગણેશ ચતુર્થી, કે નવરાત્રિ જેવા ધાર્મિક કાર્યક્રમો એકજૂથ થઈને ઉજવતા હોય છે. આ કાર્યક્રમમાં તીરઘર સમાજના જગદીશભાઈ ભગવાનભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર, શાંતિલાલ ગોવિંદભાઈ પરમાર, નરેન્દ્રભાઈ પરમાર, પ્રકાશભાઈ બાબુભાઈ રાઠોડ, રાહુલભાઈ પરમાર વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી