કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં આજરોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગાંધીનગરમાં તેમને આવકારવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર મનપામાં ભાજપની મોટા ભાગની પેનલનો ભવ્ય વિજય થયા બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની આ પ્રથમ ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.
દિવસભર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ રાત્રે 8 કલાકે પોતાના વતન માણસા ખાતે કુળદેવી માતાના દર્શન અને પૂજા કરશે. મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રિમાં ગૃહમંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપની જોરદાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર રેલ્વે સ્ટેશને મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરશે. ગરીબ પરિવારોની મહિલાઓને રોજગારી અને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ ટી સ્ટોલ શરૂ કરાઇ રહી છે. આ સાથે તેઓ પાનસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન પણ કરવાના છે. મોડી સાંજે તેઓ વતન માણસામાં પરિવાર સાથે માતાજીના દર્શન કરશે.
બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવનાઓ છે. 31 ઓક્ટોબરે સરદાર જ્યંતિ છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી બને તેવી શક્યતાઓ છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ કલોલના પાનસરમાં નવું આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા વખતથી નિર્માણાધિન હતું તે સંપુર્ણ બની ગયા બાદ આજે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી કલોલમાં આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે પાનસરના આ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. અહીં છ બેડની વ્યવસ્થા ઉપરાંત લેબોરેટરી તથા માઇનોર ઓટીની પણ સુવિધા ઉભી કરવામાં આવ છે. જ્યારે કલોલના જ હાજીપુરમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. જેના કારણે હવે આ વિસ્તારના દર્દીઓને તેનો લાભ મળશે.