વડોદરામાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને નવરાત્રિના પહેલા જ દિવસે મોટી સફળતા હાથ લાગી છે. એક જ દિવસમાં કેસ સાથે જોડાયેલા બે મોટા આરોપી પકડાયા છે. પાલિતાણાથી અશોક જૈન અને હરિયાણાથી અલ્પુ સિંધી પકડાયો છે. ત્યારે આ કેસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ, અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ ખીચડી રંધાઈ તેના મોટા રાઝ હવે ખૂલશે. વડોદરા હાઇ પ્રોફાઈલ રેપકેસમાં ભાગેડુ આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી આજે વહેલી સવારે ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમના સયુંકત ઓપરેશનમાં આરોપી અલ્પુ સિંધીને હરિયાણાથી પકડાઇ ગયો છે. અલ્પુ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે છે, તે સમયે જ આરોપી અશોક જૈન અને અલ્પુ સિંધી પકડાઇ જતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે અને વડોદરામાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરી છે. આવતીકાલે અશોક જૈનના આગોતરા જામીનની સુનાવણી થવાની હતી, તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદના ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. અશોક જૈન અમદાવાદમાં રહેતા તેના ભત્રીજા તથા પુત્ર સાથે સંપર્કમાં હતો. ક્રાઈમ બ્રાન્ચે ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી, જેમાં અશોક જૈનના ઠેકાણાની માહિતી મળી હતી. ભત્રીજાએ અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પાલિતાણામાં અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ પોલીસે ઝડપી પડ્યો હતો.
આ પહેલા આ કેસના અન્ય આરોપી રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી.
રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો. અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે અશોક જૈનને પકડવા માટે રાજસ્થાનના પુષ્કર, લોનાવાલા, લખનઉ સુધી તપાસનો રેલો દોડાવ્યો હતો. આ વચ્ચે અશોક જૈન વડોદરા પણ આવીને ગયો હતો. છતાં તે પોલીસ પકડમાં આવ્યો ન હતો. અશોક જૈનને પકડવા માટે પોલીસે સેવાસી ફાર્મ હાઉસ, ખાનપુર ફાર્મહાઉસ, બગોદરા, અમદાવાદ પણ ટીમ બનાવી વોચ ગોઠવી હતી. અશોક જૈન પોતાનો મોબાઈલ વાપરવાના બદલે અન્ય લોકો અને વકીલોના મોબાઈલનો ઉપયોગ કરતો હતો, જેથી તેને વહેલો ટ્રેસ કરી શકાયો ન હતો. વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતાં. પરંતુ પીડિતાના કેસ કર્યાના દિવસથી જ અશોક જૈન ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદથી અશોક જૈન અને રાજુ ભટ્ટ બંને ફરાર થઈ ગયા હતા. પરંતુ રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયો હતો. ત્યારે પોલીસ તેના રિમાન્ડ મેળવીને આ કેસમાં જોડાયેલી અનેક માહિતી મેળવી છે. સાથે જ રાજુ ભટ્ટ પીડિતાને જે જે જગ્યાએ લઈ ગયો હતો, તે સ્થળો પર રિકન્સ્ટ્રક્શન કરાવાયુ હતું. ત્યારે હવે અશોક જૈનના પકડાવાથી ખૂટતી કડીઓ હાથ લાગશે.