વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂા.80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓકસિજન પ્લાન્ટનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું હતું.
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સવારે 10 કલાકે યોજાનારા આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા ભરૂચ સહિત રાજ્યમાં 18 સ્થળે તમામ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વોરિયર્સ અને વેકસિનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં ભાજપા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોરોના મહામારીની બીજી લહેર લોકોના ઘરોને ભરખી ગઈ હતી ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઇનનું ખાસ પાલન થાય તે મુજબ જોગવાઇઓ કરવામાં આવી હતી જેમાં માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ આવશ્યક બન્યું હતું ત્યારે સરકારી કાર્યક્રમ હોય અને તેવામાં આપના જ સી.એમ. એ આજરોજના કાર્યક્રમમાં માસ્ક પહેર્યું ન હતું અને લોકોને હાથ મિલાવી રહ્યા હતા ત્યારે આ સરકાર કોને સમજાવી રહી છે ? નિયમો દરેક માટે સરખા નથી ..? નવા સી.એમની આ છાપથી નિરાશા ફેલાઈ હતી.
આ કાર્યક્રમ દરમિયાન ચોર ટોળકી સક્રિય બની હતી અને અનેકના મોબાઈલ તથા પાકિટની ચોરી કરી હતી. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના મોબાઇલની પણ ચોરી થઈ હતી.