માંગરોળ તાલુકા મથક ખાતે કાર્યરત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જવાબદાર અધિકારીઓની બેદરકારી અને ગંભીર પ્રકારના છબરડાઓને કારણે તાલુકાના બીમાર દવા ઉપર જીવતા વયોવૃદ્ધ પેન્શનરો પરેશાનીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે સપ્ટેમ્બર માસનું પેન્શન સમયસર જમા ન હતા વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા છે.
નાની નરોલી ગામની હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય મોહંમદ હનીફ તરકીએ વૃદ્ધ પેન્શનરોની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે પેન્શનરોના પેન્શન દર મહિનાની પહેલી તારીખે જ એમના ખાતામાં જમા થઈ જાય છે પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર માસનું પેન્શન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંગરોળ શાખામાં જમા થયેલ નથી આથી વયોવૃદ્ધ પેન્શનરો દોડતા થઈ ગયા છે. બેંકમાં તપાસ કરતા ખબર પડી કે હયાતીના ફોર્મ સમયસર ભરાઈ ગયા હોવા છતાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંગરોળ શાખાના જવાબદારોએ સુરત ઓફીસમાં મોકલ્યા નથી જેથી પેન્શન જમા થયું નથી. હાલમાં તપાસ કરતા બેંક શાખા તરફથી જણાવવામાં આવ્યું કે સિસ્ટમમાં ખામી હોવાથી સમયસર હયાતીના ફોર્મ મોકલી શક્યા નથી જેથી આ તકલીફ ઉભી થઇ છે. આગળ પણ બેંકમાં ગંભીર છબરડા ઉભો થઇ ગયો હતો ત્યારે પેન્શનરોના પેન્શન બેંકમાં જમા થયા ન હતા અને તે સમયે તપાસ કરતાં જાણવા મળ્યું કે હયાતીના ખરાઇના દાખલામાં મેનેજરના સહી-સિક્કા જ નહીં હતા જેથી પેન્શન જમા થયું ન હતું તે સમયે બીમાર, અશક્ત, કમજોર, વયોવૃદ્ધ પેન્શનરોએ સુરત સુધી દોડવુ પડયુ હતું હવે એ પરિસ્થિતિ હાલ ફરી ઉભી થઈ છે. સમયસર હયાતીના ફોર્મ ન મોકલી બેંકના જવાબદારો પેન્શનરોને મોટી તકલીફ ઉભી કરી રહ્યા છે. લગભગ મોટા ભાગના વૃદ્ધ પેન્શનરો દવા ઉપર જીવન જીવી રહ્યા છે ત્યારે તેઓના માટે આ તકલીફ ખૂબ મોટી બની જાય છે ત્યારે સમય-સંજોગો અનુસાર વૃદ્ધ પેન્શનરોની મુશ્કેલીને સમજી બેંકના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી તેઓની મુશ્કેલી દુર કરે તેવી માંગ ઉઠી રહી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ