માંગરોળમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીના વિરોધમાં મામલતદાર કચેરી સામે વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદનપત્ર આપી આદિવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી સુરત જિલ્લાના પ્રમુખ સુભાષભાઈ વસાવા, સતિષભાઈ ગામીત, ચંદુભાઈ ગામીત, આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ધર્મેશ બારોટ સહિતના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી ફરજ ઉપરના મામલતદાર ડી.કે.વસાવાને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે સરકારી તંત્ર દ્વારા હાલમાં સાચા આદિવાસીઓને જાતિનો દાખલો કઢાવવો હોય તો દાદા પરદાદાના જન્મના પ્રમાણપત્ર સહિત ૩૭ જેટલા પુરાવા માંગવામાં આવે છે આટલા બધા પુરાવા ગરીબ આદિવાસીઓ રજુ કરી શકતા નથી. હાલમાં વિદ્યાર્થીઓ અને અન્ય આદિવાસી લોકોને જાતિના દાખલા મેળવવાની જરૂરિયાત પડતી રહે છે. એક તરફ અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખોટા આદિવાસીઓને મેળાઓ કરી આદિજાતિના દાખલા આપવામાં આવ્યા છે. આદિવાસીઓ બાબતે સરકાર કોઈ જાતની તપાસ કરતી નથી. ત્યારે બીજી તરફ સાચા આદિવાસીઓને પુરાવો માંગી પરેશાન કરવામાં આવી રહ્યા છે. સરકારે અગાઉ ગીર બરડા અને આલેચના જંગલ નેષમાં વસવાટ કરતા ભરવાડ ચારણ રબારીને ખોટા આદિજાતિના દાખલા આપી દીધા છે. તે રદ કરવામાં આવ્યા નથી અને ખરેખર સરકારે આવા વિસ્તારોમાં પુરાવા લેવાની જરૂર છે. ગરીબ વર્ગના આદિવાસી સમાજના લોકો સહેલાઇથી દાખલા મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. હાલમાં જે મુશ્કેલી છે તે બંધ થવી જોઈએ સરકાર આદિવાસી સમાજના લોકોને આદિજાતિના દાખલા આપવામાં મુશ્કેલી ઉભી કરશે તો ન છૂટકે ભારતીય ટ્રાઇબલ પાર્ટી મોટુ આંદોલન કરશે અને તેની સમગ્ર જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવી ચીમકી આગેવાનોએ ઉચ્ચારી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ