માંગરોળ તાલુકાના ઝાંખરડા અને ડુંગરી ગામે કૃષિ વીજ લાઈનના વિજ વાયરો ચોરી કરતી ટોળકી એ ૧૦ જેટલા વીજપોલ તોડી પાડી રૂપિયા સાડા ત્રણ લાખથી વધુના વીજ વાયરોની ચોરી કરી જતા મુશ્કેલીમાં મુકાયેલા ઝાંખરડા ડુંગળી સહિત ચાર ગામના ખેડૂતોએ વીજ કંપનીના જવાબદાર અધિકારી તેમજ માંગરોળ તાલુકા પોલીસ તંત્રને સામૂહિક લેખિત ફરિયાદ કરી વીજ વાયરોની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવાની માંગ કરી છે.
માંગરોળ તાલુકામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કૃષિ વીજ લાઈનના વીજ વાયરોની ચોરી કરતી ગેંગના આઆતંકનો સિલસિલો યથાવત રહ્યો છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વીજ વાયરોની ચોરી કરનાર ગેંગ સામે ખેડૂતોની અનેક વખત રજુઆત પછી પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરતા માંગરોળમાં વીજ વાયરોની ચોરી કરતી ગેંગને માંગરોળ તાલુકામાં મોકળું મેદાન મળી ગયું છે જેનો ભોગ તાલુકાના ખેડૂતો બની રહ્યા છે. હાલમાં ઝાંખરડા ડુંગરી ગામ વચ્ચે વાહનોની અવરજવરવાળા મુખ્ય રોડની બાજુમાંથી પસાર થતી મુખ્ય વીજ લાઈનના ૧૦ જેટલા વીજપોલ ચોરી કરતી ગેંગ દ્વારા જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંદાજિત સાડા સાત કિલો મીટર સુધીના વીજ વાયરો ઉતારી ચોરી કરવામાં આવી છે. સાડા ત્રણ લાખથી વધુના વીજ વાયરોની ચોરી થઈ છે ત્યારે બીજી તરફ હવે ખેડૂતોને સિંચાઇના પાણી માટે વીજળીની જરૂરિયાત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ઝાંખરડા ડુંગરી બોરસદ દેગડીયા વગેરે ગામના ખેડૂત આગેવાનો ઈદ્રીશભાઈ મલેક, બાબુભાઈ છગનભાઈ ગામીત, રમણભાઈ મેઘજીભાઈ ગામીત, કેકીભાઈ વગેરે ખેડૂતોએ માંગરોળ સ્થિત ડીજીવીસીએલ કંપનીના જવાબદાર અધિકારી અને માંગરોળ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી વિજ વાયરોની ચોરી કરતી ટોળકી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે.
માંગરોળ સ્થિત ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર નયનભાઈ ચૌધરીએ જણાવ્યું કે વિજ વાયરોની ચોરી સંદર્ભમાં અમે માંગરોળ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવાની ખાતરી આપવામાં આવી છે ખેડૂતોને વીજ પુરવઠો મળે એવી વ્યવસ્થા અમે કરી રહ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ