નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા પંથકમાં વિવિધ સ્થળોએ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા 3.5 લાખના ખર્ચે લગભગ ૮ થી ૯ સી.સી.ટી.વી કેમેરા મુકવામાં આવ્યા છે. પરંતુ તસ્કરો રાત્રીના અંધકારમાં હાથફેરો કરતા હોવાથી સી.સી.ટીવી ફૂટેજમાં અંધકારને લઈ તસ્કર ટોળકી વ્યવસ્થિત નહિ દેખાતા પોલીસને પણ આરોપીઓને પકડવામાં મુશ્કેલી પડી રહી છે. આથી ઐયુબ પઠાણે નેત્રંગ ગ્રામ પંચાયતને હાઈમાસ્ટ લાઈટના ટાવર લગાવવા લેખિતમાં રજુઆત કરી હતી.નેત્રંગ પોલીસ પણ ચાર રસ્તા ઉપર હાઈમાસ્ટ ટાવર મુકવા રજુઆત કરી છે.પરંતુ રાજકીય ખેંચતાણ ચાલતી હોય તેમાં હાઈમાસ્ટ ટાવર પણ ખોરંભે પડી ગયો છે.
નેત્રંગ વિસ્તારમાં સતત વધી રહેલા તસ્કરીના બનાવોને લીધે લોકોની ઊંઘ હરામ થઈ રહી છે. માત્ર ચાર મહિનાના સમયગાળામાં ૪ બાઇક અને ૨ ફોરવ્હીલ ઉઠાવી એક ઘરમાંથી લાખ રૂપિયા ઉપરાંતનો હાથફેરો કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. હાલમાં કંબોડીયા ગામના આંગણવાડી કેંદ્ર અને નેત્રંગ ટાઉનના આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ પાણીની મોટર તેમજ વાયર મળી કુલ રૂપિયા 22 હજારના મુદ્દામાલ સાથે પોલીસે બે તસ્કરોને ઝડપી જેલ ભેગા કર્યા છે.આ તસ્કરીમાં તસ્કરોની હિલચાલ પર નજર રાખવા સીસીટીવી કેમેરા તો ચાર રસ્તા ઉપર મુકેલ છે પરંતુ લાઈટ નહિ હોવાથી રાત્રે કેમેરામાં સ્પષ્ટ નહિ દેખાતા ઝડપી પાડવા મુશ્કેલ પડે છે.
નેત્રંગ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવા દ્વારા ૩૧-૦૮-૨૦૨૧ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં અરજી ધ્યાને લઈ નેત્રંગ મુખ્ય ચાર,રસ્તા , જીનબજાર ચારરસ્તા ,રાજપારડી ત્રણ રસ્તા હાઇસ્કુલ પાસે અને લાલમંટોડી પેટ્રોલ પંપ પાસે કુલ ચાર હાઈમાસ્ટ લાઈટના ટાવર ઉભા કરવા ૧પમાં નાણાપંચ યોજનામાં અથવા સરકારની અન્ય ગ્રાન્ટમાંથી સદર કામનો સમાવેશ કરી કામ મંજુર કરાવવા સર્વાનુમતે ઠરાવ્યું હતું. પરતું એક મહિનાનો સમયગાળો વીતી જવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. પ્રજાને પડી રહેલી સમસ્યાઓને ગંભીરતાથી લઈ વહેલી તકે નિરાકરણ લાવે એવી લોકોની માંગણી છે.