ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડ ગામના તાલુકા પંચાયતના સદસ્ય ઈન્દુબેન વસાવાએ ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે થયેલા ઝઘડામાં સામાવાળા ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બે તમાચા મારી દાદાગીરી કરતા આખરે પોલીસે સત્તાધારી પક્ષના તાલુકા પંચાયતના સદસ્ય સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી. આવી દાદાગીરીની ઘટના પોલીસ સ્ટેશનમાં બની હોવાથી પોલીસે આખરે ચૂંટાયેલા સભ્ય વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી તાલુકા પંચાયતની ચુંટણી યોજાઇ ત્યારથી વડ ગામમાં બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જ્યારે હાલમાં ગત રોજ બનેલી ઘટના મુજબ વડગામના કમલેશભાઈ રતિલાલ ભાઈ વસાવા ઝેરોક્ષની દુકાન ચલાવે છે.
તેમણે પોતાની માતા કવિબેનના નામે ખેત તલાવડી મંજૂર થઇ હોવા છતાં તેઓને લાભ મળ્યો નથી અને સસ્પેન્ડ થયેલા ગામના પૂર્વ સરપંચ ઉપર ખેત તલાવડીના કામમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો હતો આ બાબતે પૂર્વ સરપંચ ના જેઠ જીવણભાઈ ઇમાભાઇ વસાવા એ ખોટા ભ્રષ્ટાચારના આરોપો કેમ લગાવે છે તેવું કહી કમલેશ રતિલાલ સાથે ઝઘડો કરી બે તમાચા માર્યા હતા જેથી કમલેશ વસાવા એ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં જીવણભાઈ ઇમાભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી હતી જ્યારે સામે પક્ષે જીવણભાઈ વસાવા કમલેશ વસાવા અને અન્ય બે ઈસમો જગદીશ રતિલાલ અને રાજુભાઇ વેસ્તાભાઇ સહિત ત્રણેયે સામે માર મારવા અંગેની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને આવ્યા હતા તેમજ બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવી વાતચીત ચાલી રહી હતી.
આ સમયે તાલુકા પંચાયતના સદસ્ય ઈન્દુબેન દેવરામભાઈ વસાવા ત્યાં આવી પહોંચતા તેમણે કમલેશભાઈ રતિલાલ વસાવાનો પક્ષ લઇ દાદાગીરી કરી પોલીસ સ્ટેશનમાં જીવણભાઈ ઇમાભાઇ વસાવાને બે તમાચા મારી દીધા હતા આ સમયે પોલીસ સ્ટેશનમાં અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇન્દુબેનને બીજા રૂમમાં લઈ ગયા હતા પોલીસ સ્ટેશનમાં દાદાગીરીની આવી ઘટના બનતા આખરે પોલીસે તાલુકા પંચાયતના સભ્ય ઈન્દુબેન વસાવા સહિત ચાર વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કર્યો હતો તેમજ સામે પક્ષે ગુનો નોંધી તમામની અટકાયત કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ