કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોરંદા ગામમાં ગતરોજ મોડી સાંજે કોવિડ ન્યાય યાત્રા યોજાઇ હતી. કોંગી અગ્રણીઓ દ્વારા ચોરંદા ગામમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામનારના પરિવારજનોની મુલાકાત લઈ તેઓના દુઃખમાં સહભાગી બની પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય મળે એ માટે ફોર્મ ભરાવ્યા હતા.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીથી સંક્રમણ આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા દરેક મૃત્યુના પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ રૂપિયા ૪ લાખનુ વળતર મળે એ હેતુસર કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોવિડ ન્યાય યાત્રા યોજાઇ રહી છે.
કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોરંદા ગામમાં કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં કરજણ તાલુકા સમિતિના અધ્યક્ષ પિન્ટુ પટેલ વેમારડીવાળા, અભિષેક ઉપાધ્યાય, પુર્વ વડોદરા જિલ્લા આરોગ્ય ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાય, ચોરંદા ગામના સરપંચ, ઉપસરપંચ, સણીયાદ ગામના સરપંચ, કુરાલી ગામના સરપંચ ભૌમિક પટેલ, શબ્બીર કડીવાળા સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ