રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આ અકસ્માતના બનાવમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર મિત્રના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ 4 મિત્રોના અકસ્માતમાં મોત થયા છે. આ ઘટનામાં 4નાં કરુણ મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસદ્વારા ફરિયાદને આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો પૈકી 4ને શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં. વ. 29) નામની વ્યક્તિને તરત સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિકોના મતે ઉપરોક્ત બન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે ઓવરટેકની લાયમાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે.
મૃત્યુ પામેલી તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે, જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પંથક પાસે જ અકસ્માત નડ્યો છે. મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે, જ્યાં પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોપવામાં આવ્યું હતું .