બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાત- ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતાં વધી હતી, જેને કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાનના જાણકારોના મતે આગામી 24 કલાકમાં ગુલાબ વાવાઝોડું શાહીન બની જશે અને ત્યાંથી કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના માકરન કોસ્ટ સુધી પહોંચશે. શાહીન ચક્રવાત બની જતાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર પણ જોવા મળશે. વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે, સાથે સાથે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે.
ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના કાળમાં તાઉ-તે બાદ ગુલાબ અને શાહીન વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે એક પછી એક વાવઝોડાઓથી ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં જોખમ ઊભું થઈ રહ્યું છે. ગુલાબ બાદ સંભવિત શાહીન વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડીપ્રેશનને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પત્ર પાઠવતા દહેજ બંદરે-3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે તમામ 5 જેટી, માછીમારો અને કાંઠા વિસ્તારોના ગામોને સાબદા કરી માછીમારોને સમુદ્ર નહિ ખેડવા આદેશ આપવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરે 115 કિમીની ઝડપે કાંઠા વિસ્તારમાં પવન ફૂંકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.