આજરોજ ફરી એક વખત આમલખાડીમાં પ્રદુષિત પાણી વહી રહ્યા હતા ફર્ક એટલો હતો કે જે પાછલા એક અઠવાડિયાથી પીળા કલરનું પાણી હતું તે હવે રંગ બદલી લાલ કલરનું થયું હતું.
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આ બાબતે જીપીસીબી, નોટિફાઇડ અને NCT ના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાને મોડે મોડે નોટિફાઇડ વિભાગે સમારકામ કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલથી ઔદ્યોગિક વસાહતમાં સમાચાર વહેતા કરી બધાને સાવધાન રહેવાની સૂચના સાથે જણાવવામાં આવ્યું હતું કે ગાંધીનગરથી જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી પોતે અંકલેશ્વરની મુલાકાતે આવી રહ્યા હોવાથી બધાએ સાવધાન રહેવું. આ સાવધાન રહેવાના સમાચાર પછી પણ આ પરિસ્થિતિ છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમપટેલે જણાવ્યું હતું કે “વાલિયા ચોકડી પાસે આવેલ લાઇનમાંથી આ પાણી વહી રહ્યા હોવાની અમારી ફરિયાદ બાદ નોટિફાઇડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ પછી રીપેર કરવામાં આવે છે ત્યાં સુધી પર્યાવરણને મોટું નુકસાન થઈ જાય છે. અમોને પણ જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી આવવાના આ સમાચાર મળતા અમોએ એમની મુલાકાત કરવા અર્થે એમને ફોન કરતા એમને જણાવ્યું હતું કે અમારો આજે આવવાનો કોઈ પ્રોગ્રામ નથી અને તમારી ફરિયાદ પર કાર્યવાહી કરી છે.”
મુકેશ વસાવા : અંકલેશ્વર