સમગ્ર વિશ્વમાં 29 મી સપ્ટેમ્બરે વર્લ્ડ હાવાંકલ તરીકે ઉજવવામાં આવે છે. જેને અનુસંધાને નવસારી ઓરેન્જ હોસ્પિટલની ડોક્ટર્સ ટીમ, નવસારી સાયકલિસ્ટમિત્રો તેમજ સિદ્ધાર્થ શાહનાં સહયોગથી હાર્ટ ડે રન અને રાઇડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સદર સ્પર્ધામાં સુરત રન એન્ડ રાઇડર 13 તેમજ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ, વલસાડનાં એક્ટિવ સભ્ય વ્યવસાયે શિક્ષક એવાં અશ્વિન ટંડેલ અને તેમના ચિ. આર્નવ પ્રતિસ્પર્ધી તરીકે જોડાયા અને પ્રથમ ક્રમે વિજય થયા હતાં.
સ્પર્ધામાં સો જેટલાં રનર અને પચાસ જેટલાં સાયકલવીરો હતાં. કેટેગરી સામાન્ય એટલે કે નાના-મોટાની સમાન હતી. આ બધાં વચ્ચે દોડ અને રાઇડ બંને એક જ સમયે રાખી હતી. 5 કિમી નવસારી અને વલસાડનાં દોડ અને સાયકલિંગનાં ગૃપ બંને એકબીજા સાથે સંલગ્ન હોવાથી ત્યાં ખૂબ જ મિલનસાર વાતાવરણ નિર્માણ પામ્યું હતું. પોતાની દૈનિક ક્રિયાઓ પરત્વે ચુસ્ત રહેનાર એવાં ઘનશ્યામભાઈ પટેલનું સન્માન હોસ્પિટલનાં ડોક્ટરે મોમેન્ટો આપી કર્યું હતું. ત્યારબાદ ઘનશ્યામભાઇએ ફ્લેગ ઓફ કરી દોડની શરૂઆત કરાવી હતી. નવસારી રનર્સનાં સ્ટાર મિત્ર અને ઓરેન્જ હોસ્પિટલનાં ફિઝીયોથેરાપિસ્ટ ડૉ. હિતેશ પટેલનાં હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે અશ્વિન ટંડેલે જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન સતત વ્યસ્ત રહેનારા અને જનતાનાં સેવક એવાં ડોકટર મિત્રો જેની સલાહ આપતાં હોય અને પોતે પણ પ્રવૃત્ત રહેતા હોય એવી પ્રવૃત્તિઓ સૌએ કરવી જોઈએ. જો આપ દોડી ના શકો તો ચાલો અને આપના હૃદયને તંદુરસ્ત રાખો, લિફ્ટ ન વાપરતાં દાદર ચઢો, ક્યારેક બાઈક કે કાર મૂકી સાયકલ ચલાવી જુઓ, ઘરનો સાત્વિક આહાર લો, ભરપૂર માત્રામાં પાણી પીવો, ઋતુ મુજબ ફળો લો. આ બધી પ્રવૃત્તિઓથી સ્વાસ્થ્ય સહ પર્યાવરણને પણ લાભ થશે. બાળપણથી જ શિક્ષણ સાથે બાળકોને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ જોડીએ અને સુટેવોનું સિંચન કરીએ. રોજેરોજ મનગમતી પરિશ્રમભરી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી સદા તંદુરસ્ત રહીએ.
વિનોદ મૈસુરીયા : વાંકલ