ગુજરાત વિધાનસભાનાં ચોમાસું સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે આજનાં દિવસે પણ ગૃહમાં હંગામો થયો હતો. ગૃહમાં કોરોનાનાં આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. દરમિયાન વિપક્ષ નેેતા પરેશ ધાનાણીએ આક્ષેપે કર્યો હતો કે, મૃતકોનાં સરકારી આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે. સત્રના પ્રથમ દિવસે જ યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિપક્ષની અડફેટે ચઢ્યા હતા. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠેથી તાજેતરમાં ઝડપાયેલા હેરોઇનનો મુદ્દો ઉઠતા કોંગ્રેસના વિરજી ઠુમ્મરે આ મુદ્દે કેટલાક સવાલો કર્યા હતા. જેના જવાબમાં હર્ષ સંઘવી એ કહ્યું કે, કોંગ્રેસ પોલીસની કામગીરી બિરદાવવાને બદલે ખોટા સવાલ કરે છે, એ બદલ કોંગ્રેસે શરમાવું જોઈએ. ગૃહમંત્રીના આ નિવેદનથી કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો. કોંગ્રેસના અમિત ચાવડાએ ગૃહમંત્રીને રોકડું પરખાવતા અધ્યક્ષને સંબોધીને કહ્યું કે, ગૃહમાં પ્રથમ વખત બોલી રહેલા યુવા મંત્રીને વિદ્વાન એવા પ્રદિપસિંહ જાડેજાના સ્થાને તક મળી છે ત્યારે તેમણે ગૃહની ગરીમા જળવાય તેવા શબ્દો વાપરવા જોઈએ. ગલીમાં વાતચીત કરતા હોય તેવા શબ્દો ગૃહમાં ન વાપરી શકાય. વિપક્ષ નેતાએ રાજ્યમાં થયેલા મોતનાં આંકડાઓમાં વિસંગતતાને લઈને બોલવાનુ શરૂ કર્યુ ત્યારે ગૃહનાં અધ્યક્ષે તેમને બોલતા અટકાવ્યા હતા. જે બાદ ગૃહમાં હોબાળો શરૂ થઇ ગયો હતો. ત્યારબાદ વેલમાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલા તમામ કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યને અધ્યક્ષે આજનાં દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા. ઉપરાંત ગૃહની કાર્યવાહી પ્રશ્નોતરીકાળ સુધી મુલતવી રાખી છે. આ સમગ્ર હોબાળા વચ્ચે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા હતા અને તેમણે વિપક્ષનાં સભ્યોને ઘેર્યા હતા.
આ દરમિયાન ધારાસભ્યો ન્યાય આપોનાં નારાઓ સાથે વિધાનસભા વેલમાં બેસી ગયા. ગૃહની કાર્યવાહી મુલતવી રાખ્યા બાદ પણ ધારાસભ્યો વેલમાં નારાઓ લગાવી રહ્યા છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત ખાનગી યુનિ. સુધારા વિધેયક પરના તેમના વિચારો અંગ્રેજીમાં રજૂ કર્યા હતા. તેમનું અંગ્રેજી વક્તવ્ય શરૂ થતાં જ કોંગ્રેસના જ ધારાસભ્ય લલિત વસોયાએ ગેલેરીમાં બેઠા બેઠા કોમેન્ટ કરી કે, હિન્દીના પણ અમારે ફાંફા છે, તમે ગુજરાતી માં બોલો. તેમની કૉમેન્ટથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કિરીટ પટેલે કહ્યું કે, અગાઉ ભાજપના દુષ્યંત પટેલ અંગ્રેજીમાં વક્તવ્ય આપી ચુક્યા છીએ તો અમે પણ બોલીએ ને. અધ્યક્ષ નીમાબેન આચાર્યએ હસતા હસતા કહ્યું કે, અમે નહિ પણ તમારા જ સભ્યો ના પાડે છે.
જોકે અડધેથી કિરીટ પટેલે ગુજરાતી માં તેમના વિચારો રજૂ કર્યા હતા. ગુજરાત ખાનગી યુનિ. સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન કરાર આધારિત અને આઉટસોર્સિંગવાળા શિક્ષકનો મુદ્દો આવ્યો હતો. એ સમયે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ વ્યંગ કરતા કહ્યું કે, નીતિનભાઈ અને રૂપાણીની સરકાર કરાર આધારિત હતી એટલે કરાર ક્યારે પૂરો થઈ ગયો એ ખબર જ ના પડી. અમારા જવાહરભાઈ (ચાવડા) અને કુંવરજીભાઇ (બાવળીયા) નું કામ આઉટસોર્સિંગ જેવું છે.
તેમના આ વ્યંગથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પૂર્વ અધ્યક્ષ અને હાલ સરકારમાં નં.2 મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ વિભાગ પણ સંભાળે છે. નાંદોદના ધારાસભ્ય પ્રેમસિંહ વસાવાએ નર્મદા જિલ્લામાં ખાનગી હોટલોને ફાળવવામાં આવેલ જમીન મામલે પ્રશ્ન કર્યો હતો. પ્રશ્નોત્તરીકાળમાં મુખ્ય સવાલ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ પેટા પ્રશ્નો પૂછતાં મહેસૂલમંત્રી એ સિફતપૂર્વક જવાબ ટાળ્યો હતો.
તેઓ છાપેલા જવાબને વળગી રહયા હતા અને જવાબમાં એક જ વાત કરતા હતા, હું છપાયેલા ટેક્નિકલ જવાબને વળગી રહું છું અને નવા સવાલ માટે નવેસરથી નોટિસ આપીને જ સવાલ કરી શકાય. તેમના આ ટેક્નિકલ જવાબ સામે વિપક્ષના સભ્યોની તેમની પાસેથી જવાબ લેવાની તમામ ટેક્નિક નિષ્ફળ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવાની વિનંતી કરી હતી, પરંતુ સ્પીકર નીમાબેન આચાર્યનાં ઇનકાર પર વિરોધ પક્ષનાં ધારાસભ્યોએ વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સરકારે પોતાના પક્ષમાં કહ્યું હતુ કે ગૃહ આ સંદર્ભે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી ચૂક્યું છે.