પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગ્રામ વિસ્તારોના ગામોમાં અવારનવાર અનેક વખત વીજ પ્રવાહના ધાંધિયાના કારણે ગ્રામ્ય પ્રજાજનોને ખૂબ જ હેરાન પરેશાન અને મુશ્કેલી વેઠવી પડે છે અને સ્થાનિક ગ્રામ્ય પ્રજા દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાંય પ્રશ્નોનો ઉકેલ ન આવતા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં તાલુકાના પ્રજાજનોએ સંખ્યામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ગોધરા કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ગોધરા તાલુકાના નદીસર, સામલી, વાવડીબુઝર્ગ, વડેલાવ, પોપટ,પૂરા, થાણાગર્જન, છારીયા, અછાલા, સાંપા, છબનપૂર, બગીડોર, મહેલોલ, કોટડા, ચચોપા, દરૂણીયા, ગદુકપૂર, દયાલકાકરા, જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પ્રવાહના ધાંધીયા જોવા મળે છે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા દરમિયાન ઉડાણના ગ્રામ્ય વિસ્તારોમાં ગયા હતા ત્યારે પ્રજાજનો દ્વારા વીજ પુરવઠો ખોરવાઇ છે તે બાબતે રજૂઆત કરી હતી જેથી પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પુરવઠો નિયમિત પણે મળી રહે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ગોધરાના કાર્યપાલક ઇજનેર ને રૂબરૂ મળી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તિજોરીવાલા, જીલ્લા મહામંત્રી ઉમેશ શાહ, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા પરશુરામ શર્મા, ભારત ચૌહાણ સહિતનાઓએ જોડાઈ વીજ પુરવઠો અવારનવાર ખોરવાઇ જાય છે તે બાબતે કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી