ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લા પોલીસને મળેલ સુચનાના અનુસંધાને નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણી પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના હેઠળ ચોરાયેલ પાણીની મોટર સહિતનો મુદ્દામાલ કંબોડીયા ગામના દિનેશભાઇ વેસ્તાભાઇ વસાવા અને નરેશભાઇ ઉકડભાઇ વસાવાએ નરેશ વસાવાના ઘરે સંતાડી રાખેલ છે.
નેત્રંગ પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે છાપો મારતા સ્થળ ઉપરથી નરેશભાઇ ઉકડભાઇ વસાવા તેમજ દિનેશભાઇ ઉર્ફે ભાંગીયો વેસ્તાભાઇ વસાવા બન્ને રહે.કંબોડીયા તા.નેત્રંગ જિ.ભરૂચના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે કંબોડીયા ગામના આંગણવાડી કેન્દ્ર તથા નેત્રંગ ટાઉનના આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળના કમ્પાઉન્ડમાંથી ચોરાયેલ પાણીની સબમર્સીબલ મોટર નંગ ૨ તેમજ ૨૦૦ ફુટ જેટલો કેબલ વાયર મળીને કુલ રૂ.૨૨,૮૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની આ કાર્યવાહી દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ