ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગની કામગીરીના પાયામાં જ ભ્રષ્ટાચાર થયો હોવાનું હાલની આ ધોરીમાર્ગની બદતર હાલત પરથી ફલિત થાય છે. સરદાર પ્રતિમા ધોરીમાર્ગની કામગીરી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા યોગ્ય દેખરેખ નહીં રાખી હોવાથી આજે પણ આ માર્ગનું ઠેરઠેર કામ અધૂરુ પડ્યુ છે, અને ચાર માર્ગીય માર્ગ કેટલાક સ્થળે બે માર્ગીય જ રહ્યો છે.
અંકલેશ્વરથી ઝઘડીયા વચ્ચે ધોરીમાર્ગ પર કેટલાક જુના જર્જરિત પુલના સ્થાને નવા બનાવવાની કામગીરી પણ અધૂરી પડી છે, તે જ રીતે રાજપારડી અને ગુમાનદેવ નજીકની ખાડીઓ પર જર્જરિત પુલના સ્થળે નવા પુલ બનાવવાની કામગીરી અધુરી છે. આ ઉપરાંત કેટલાક સ્થળે નાના-મોટા નાળાઓ બનાવવામાં આવ્યા જ નથી.
ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા ચાર રસ્તા પાસે ચાર માર્ગીય ધોરી માર્ગ બનાવી સર્વિસ રોડ બનાવવાની જગ્યાએ દબાણ નહિ હટાવી ફક્ત બે માર્ગીય જ રોડ રહેવા દઈ તેના પર કારપેન્ટિંગ કરવામાં આવ્યું છે. સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવતા તમામ ગામોના બસ સ્ટેન્ડો ધોરીમાર્ગ વિસ્તૃતીકરણ વખતે તોડી પાડવામાં આવ્યા હતા તે તોડેલા પૈકિ ઘણા બસ સ્ટેન્ડો આટલા વર્ષો પછી પણ જવાબદાર વહીવટીતંત્ર દ્વારા બનાવ્યા નથી જેથી ગામડાના લોકો આજે પણ તડકામાં અને વરસાદમાં રોડ પર ખુલ્લામાં ઊભા રહી યાતના ભોગવી રહ્યા છે. અને આવી કેટલીય જગ્યાએ વહીવટી તંત્રની બેદરકારી અને સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતાના કારણે સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગની હાલત દિવસે દિવસે બદતર બની રહી છે. ધોરીમાર્ગનું કામ જેટલું પણ પૂર્ણ થયું છે તેનું આટલા વર્ષોમાં નીતિ-નિયમ મુજબ જે સમયસર સમારકામ થવું જોઈએ તે પણ થયું નથી, ફક્ત માટી તેમજ મેટલ નાખી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે છે, જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઝઘડિયા તાલુકાના ધોરીમાર્ગ સમયસર સમારકામના અભાવે કોઈપણ જગ્યાએ સારો રહ્યો નથી. સરદાર પ્રતિમા માર્ગ પર લિગ્નાઈટના વાહનો, રેતી કપચીના વાહનો તેમજ આંતર રાજ્ય વાહનો પસાર થતા હોય તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોરીમાર્ગની કામગીરી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ચોમાસામાં ધોવાઇ ગયેલા ધોરીમાર્ગનું સમારકામ નહી થતા વાહન ચાલકોના સમય તેમજ ઇંધણનો ધુમાડો થઇ રહ્યો છે. તેમજ ખરાબ માર્ગના કારણે વાહનોના મેન્ટેનન્સમાં પણ નુકસાની આવવાથી વાહનચાલકોને આર્થિક નુકશાન થઇ રહ્યુ છે.આ માટે વહીવટીતંત્રની બેદરકારી જવાબદાર હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.આને કારણે ટ્રાન્સપોર્ટેશન ઉપર વિપરીત અસર પડી રહી છે. ખરાબ ધોરીમાર્ગના કારણે સમયસર માલની ડિલિવરી નહીં થતાં વિવિધ વેપાર-ધંધા પર સીધુ નુકસાન થઈ રહ્યુ છે. તેથી તાલુકાનો બાકી રહેલો કેટલોક વિકાસ રુંધાઇ રહ્યો છે.ચોમાસાની શરૂઆતથી અને હાલમાં ભાદરવો ભરપૂર હોઇ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ ઉપરાંત મોટાભાગના રસ્તાઓ દિવસે દિવસે વિકૃત બની રહ્યા છે. કેન્દ્રીય અને માર્ગ પરિવહન મંત્રી ભરૂચ જિલ્લામાં આવી યુએસના હાઇવેનુ ઉદાહરણ ટાંકી ગયા ત્યારે સ્ટેચ્યુને જોડતા આ મહત્વના ધોરીમાર્ગને તાકીદે સુંદર રીતે લોકોપયોગી બનાવવા ઘટતા આયોજન કરાય એવી માંગ તાલુકાની જનતામાં સ્પસ્ટપણે દેખાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ