અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ” ૨૪ મી સપ્ટેમ્બર એન.એસ.એસ દિવસ ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો જયશ્રી ચૌધરીએ પ્રારંભિક ભૂમિકા બાંધી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રા. હરેશ પરીખે રાષ્ટ્રીય સેવા યોજનાનો ઉદભવ કઈ રીતે થયો, તેના હેતુઓ કયા કયા છે એને વિષે વિસ્તૃત વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય સેવા યોજના યુવાઓમાં સેવાકીય ભાવના વિદ્યાર્થી અવસ્થાથી જ કેળવાય તે માટે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સમાજનો સૈનિક છે. આમ કહું છું તેનાથી ગભરાશો નહીં તમારી સાથે લઈને સરહદ પર લડવા જવાનું નથી પરંતુ સમાજમાં જે સેવાકીય ક્ષેત્રે ખાલીપણું છે એની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક તરીકે તમારે મહત્વની ભૂમિકા ભજવવાની છે. કોઈપણ રાષ્ટ્રીય આપદા હોય ત્યારે સ્વયંસેવક સેવા માટે ઉભો રહે તે એન.એસ.એસ ની સફળતા છે. ” અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતાની શરૂઆત આપણે કરી શકીએ. નાસ્તો કર્યા પછી કચરો જાહેર જગ્યાએ નાખવા કરતા યોગ્ય જગ્યાએ નાખીએ તો એ પણ એક સેવાકીય ભાવના છે. ” આ વાતને તેમણે દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી.
અધ્યક્ષીય વકતવ્ય આપતા ડૉ. જી. કે.નંદાએ કહ્યું હતું કે, ” એક સૈનિક સરહદનું રક્ષણ કરે છે પોતાનો પ્રાણ ન્યોછાવર કરે છે રાષ્ટ્રીય સેવા યોજનાનો સ્વયંસેવક સમાજનું રક્ષણ કરે છે. સ્વયંસેવક સમાજનો એક જાગ્રત પ્રહરી છે. સમાજમાં રહેલી કુપ્રથાઓ, સમાજ પર પડેલી આફતો એન.એસ.એસ નું કાર્યક્ષેત્ર છે. એન.એસ.એસ સ્વયંસેવક સમાજમાં નવી જાગૃતિ ફેલાવી શકે છે અને સમાજનો પુનરુદ્ધાર કરવાનું કામ રાષ્ટ્રીય સેવા યોજનાનું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સમાજનો સંરક્ષક છે. ” આભારવિધિ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર પ્રા. રાજેશ પંડ્યા કરી હતી. એન.એસ.એસ કલેપનું નિદર્શન ડૉ.વર્ષો પટેલે કર્યું હતું. પદ્ધતિસર એનએસએસ ક્લેપ કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદની લાગણી પ્રવર્તી હતી.
એન.એસ.એસ. લક્ષ્યગીતનું ગાન સૌએ કર્યું હતું, ઉત્સાહનો સંચાર થતો અનુભવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, વિશાલ વસાવા, આઝાદ, દિગ્વિજય અને રાહુલ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.