માંગરોળ તાલુકા મથક ખાતે કાર્યરત એસ.બી.આઇ. બેન્કમાં લેવડ દેવડ માટે એક જ કાઉન્ટર હોવાથી ગ્રાહકોને વ્યાપક મુશ્કેલી પડતા માંગરોળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યએ બેંકના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે.
માંગરોળ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય મોહનભાઈ કટારીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે માંગરોળ ગામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં માત્ર એક જ કાઉન્ટર છે નાણાંની લેવડ-દેવડ કરવાની અને ચલણ જમા કરાવવા વગેરે કામગીરી એક જ કાઉન્ટર ઉપરથી કરવામાં આવે છે જેથી ગ્રાહકોનો સમય બગાડવા સાથે વ્યાપક મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ પેન્શન ધારકો, વૃદ્ધો, મહિલાઓ બેંકમાં કામકાજ માટે આવે ત્યારે તેઓની હાલત કફોડી બને છે. ઉપરોક્ત બેંકમાં નાણાં લેવા ટોકન સિસ્ટમ છે પરંતુ એક જ કાઉન્ટર હોવાથી ખોટો સમય વેડફાઈ રહ્યો છે જ્યારે બીજું કાઉન્ટર શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ બાબતે અમે આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુરતને લેખિત રજૂઆત કરેલ છે અને માંગરોળ બેંક શાખાના મેનેજરને રૂબરૂ લેખિત ફરિયાદ કરવામાં આવી છે ત્યારે ગ્રાહકોના હિતમાં બેંકના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ કરે જરૂરી બન્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ