રાજ્યમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને બનાવવામાં આવ્યા ત્યાર બાદથી રાજ્યના મંત્રી મંડળમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા, વિવિધ જિલ્લાના જન પ્રતિનિધીઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જોકે ભરૂચ જિલ્લામાં કોઈ પણ ધારાસભ્યને મંત્રી પદ ન મળતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
ગતરોજ નિમાંબેન આચાર્ય દ્વારા કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું અપાયા બાદ આજરોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની નિમણુક કરવામાં આવતા સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો અને તેઓને શુભેચ્છાઓ આપી હતી, દુષ્યંતભાઈ પટેલની નિમણુક બાદ આગામી ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે મળનાર વિધાનસભા સત્રમાં તેઓ પોતાની કામગીરી બજાવતા નજરે પડશે તેમ જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ આ અગાઉ પણ કાર્યકારી અધ્યક્ષની ફરજ બજાવતા કેટલીક વખત જોવા મળ્યા હતા પરંતુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્તમાન સરકારમાં વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણુકથી સમર્થકોમાં ઉત્સાહિત વાતાવરણ છવાયું છે.