ભરૂચ શહેરનો પ્રથમ નંદેલાવ ઓવર બ્રીજ અત્યંત ખરાબ દશામાં થઈ ગયો છે. માર્ગ ધોવાતાં પડેલાં ખાડાઓમાંથી હવે સળિયા બહાર નિકળી આવતાં તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું એવું અહી દેખાય રહ્યું છે. અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને દુર્ઘટના થવાનો ડર પણ લાગી રહ્યો છે.બ્રિજ બન્યા બાદ તેનું યોગ્ય સમારકામ નહીં થવાના કારણે દર ચોમાસામાં આ ઓવરબ્રીજ પર ખાડાઓ પડવા સાથે સળિયા નિકળી આવવાની સમસ્યા ઉદભવી રહી છે.
વરસાદી પાણીથી આ ખાડાઓ ભરાઈ જતા નાના વાહન ચાલકો આ ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બને છે. ભરૂચ શહેરમાં શહેર જિલ્લાના માર્ગો વરસાદમાં ધોવાઈ જતા માર્ગ ઉપર ખાડોઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. શહેરના અનેક વિસ્તારના માર્ગો પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
ભરૂચ શહેરની કમનસીબી કહેવાય કે મોટા-મોટા ઉદ્યોગો જિલ્લામાં આવેલા હોવા છતાં પણ દહેજ ઔદ્યોગિક એકમોને જોડાતો માર્ગનો ઓવરબ્રિજ ખખડધજ બન્યો છે. દર વર્ષે ચોમાસામાં આ માર્ગની હાલત ખસ્તા બનતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
જયારે બીજી તરફ દહેજ તરફ જતા અને ઔદ્યોગિક વસાહતને જોડતો માર્ગ જંબુસર બાયપાસ નજીક આવેલા ઓવરબ્રિજ પર પણ મસમોટા ખાડાઓ પડવાથી ઉદ્યોગોમાં જતા અને આવતા ભારદારી વાહનો સહિત નાના વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્રને અનેક વખતે રજૂઆતો કરી હોવા છતાં કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી.