-જ્યારે શહેર ઊંઘમાં હતું ત્યારે પાલિકા પ્રમુખ ખાડા પુરાવતા હોવાના ફોટો વાયરલ થતા સોશિયલ મીડિયામાં પ્રશંસાનું કેન્દ્ર બન્યા.
વર્તમાન ચોમાસાની ઋતુમાં ભરૂચ શહેરમાં ઠેરઠેર ખાડા પડવાની ફરિયાદો સામે આવી છે, શહેરના મુખ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં મસમોટા ખાડાએ વાહન ચાલકોની કમરના મણકા હલાવી મુક્યા છે તો વાહન ચલાવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થાય તે પ્રકારના રસ્તાઓ ઠેરઠેર જોવા મળી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકામાં શહેરના ખાડાઓને લઈ અસંખ્ય ફરિયાદોનો મારો સામે આવ્યો હતો જે બાદ પાલીકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે, જ્યાં આખું શહેર મસ મીઠી નિદ્રામાં હતું ત્યારે પાલીકા પ્રમુખ અમિત ચાવડા પોતાની ટિમ સાથે બિસ્માર રસ્તાઓનું પેચ વર્ક કરાવતા મોડી રાત્રીના સમયે નજરે પડ્યા હતા, ભરૂચના પાંચબતીથી મહંમદપુરા સહિતના મુખ્ય માર્ગો ઉપર પાલીકા પ્રમુખે ઉભા રહી પેચિંગ કરવાની કામગીરી શરૂ કરાવી હતી.
પાલીકા પ્રમુખ અમિત ચાવડાની અડધી રાત્રીના સમયે થતી કામગીરીનો આ કિસ્સો પ્રથમ નથી આ અગાઉ પણ તેઓ પ્રમુખ બન્યા બાદ રાતોરાત ગમે તે વોર્ડમાં કામો કરાવતા નજરે પડ્યા હતા અને હવે રસ્તાઓનું રીપેરીંગ કામ કરાવતા નજરે પડતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને પાલીકા પ્રમુખ અમિત ચાવડાની કામગીરીની પ્રશંસા પણ લોકો કરી રહ્યા છે.
મહત્વની બાબત છે કે પાલીકા પ્રમુખે રસ્તાનું પેચિંગ વર્ક શરૂ કર્યાને થોડા કલાકો બાદ વરસાદની એન્ટ્રીએ કામમાં રૂકાવટ નાંખી હતી પરંતુ વરસાદી માહોલ થમવા સાથે સમગ્ર શહેરના બિસ્માર માર્ગોનું રીપેરીંગ કાર્ય પુર જોશમાં હાથ ધરવામાં આવશે તેવી બાબતો પણ સૂત્રો પાસેથી જાણવા મળી છે, ત્યારે ખરા અર્થમાં પ્રજાના સેવકની ભૂમિકા ભજવતા અમિત ચાવડા આગળ પણ પ્રજાના કામો આજ રીતે રાત દીવસ જોયા વગર કરતા રહે તેવી ચર્ચાઓ અને શુભેચ્છાઓ લોકો વચ્ચેથી સામે આવી રહી છે.
હારુન પટેલ, ભરૂચ